સાઉદી અરબ સરકારે દરિયાઈ માર્ગે હજયાત્રાને આપી મંજૂરી: નકવી

રિયાધ- કેન્દ્રિય અલ્પસંખ્યક મામલાના કાર્યપ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, સાઉદી અરબ સરકારે ભારતીય હજયાત્રીઓ માટે દરિયાઈ માર્ગે હજયાત્રા કરવાની મંજૂરી આપી દીધી છે. નકવીએ કહ્યું કે, આ માટે બન્ને દેશોના સંબંધિત અધિકારી જરુરી ઔપયારિકતા અને ટેકનિકલ મુદ્દાઓ પર જલદી કામ શરુ કરશે. જેથી આગામી વર્ષોથી સમુદ્રમાર્ગે હજયાત્રા ફરીવાર શરુ કરી શકાય.

સત્તાવાર માહિતી મુજબ ગતરોજ સાઉદી અરબના મક્કામાં કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના કાર્યપ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ સાઉદી અરબના હજ અને ઉમરા પ્રધાન ડૉ. મુહમ્મદ સાલેહ બિન તાહિર બિનતેન સાથે હજ-2018ને લઈને દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન સાઉદી સરકારે ભારતને દરિયાઈ માર્ગે હજયાત્રા ફરી શરુ કરવાની મંજૂરી આપી હોવાનું નકવીએ જણાવ્યું છે.

નકવીએ જણાવ્યું કે, ભારતીય હજયાત્રીઓ મુંબઈથી જેદ્દાહ દરિયાઈ માર્ગે જતા હતા. જે વર્ષ 1995થી બંધ કરવામાં આવ્યું હતું. હજયાત્રીઓને દરિયાઈ માર્ગે જવાને કારણે યાત્રા ખર્ચ પણ ઘટી જશે. વધુમાં નકવીએ જણાવ્યું કે, આધુનિક ટેકનોલોજીના દરિયાઈ જહાજ એકાસાથે ચારથી પાંચ હજાર લોકોને લઈ જવા સક્ષમ હોય છે. મુંબઈ અને જેદ્દાહ વચ્ચેનું અંતર 2300 દરિયાઈ માઈલ છે. આધુનિક જહાજમાં આ અંતર ત્રણથી ચાર દિવસમાં પુરું કરી શકાશે, જ્યારે પહેલાના સમયમાં 12થી 15 દિવસનો સમય લાગતો હતો.

મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, ભારતમાંથી પ્રથમવાર મહિલાઓ મેહરમ (પુરુષ સાથીદાર) વગર હજ પર જશે. જેના માટે સાઉદી અરબમાં રોકાવા માટે અલગ બિલ્ડિંગ અને વાહનવ્યવહારની વ્યવસ્થા કરવામાં આવશે. આ મહિલા હજયાત્રીઓના સહયોગ માટે અલગથી મહિલા હજ આસિસ્ટન્ટની વ્યવસ્થા કરવામાં આવશે.

નકવીએ જણાવ્યું કે, ભારતમાંથી 1300થી વધુ મહિલાઓએ મેહરમ (પુરુષ સાથીદાર) વગર હજ પર જવામાટે અરજી કરી છે. જેને લોટરી સિસ્ટમ દ્વારા હજ પર જવાની વ્યવસ્થા કરવામાં આવશે. નવી હજ નીતિ પ્રમાણે 45 અથવા તેનાથી વધુ ઉંમરની મહિલાઓ ચાર અથવા તેનાથી વધુના સમૂહમાં મેહરમ વિના હજયાત્રા પર જઈ શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]