વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા સહિત વિદેશીઓને અપાયેલા અનેક રોજગાર વિઝા સ્થગિત રાખવા માટેની મુદત લંબાવી દીધી છે. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 31 ડિસેમ્બર સુધી વિદેશીઓને ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. આને કારણે ભારત સહિત વિશ્વભરના ઈન્ફોર્મશન ટેક્નોલોજી ક્ષેત્રના પ્રોફેશનલ્સને આંચકો લાગ્યો છે. આ સસ્પેન્શન વર્ષના અંત સુધી માન્ય રહેશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ અમેરિકન શ્રમિકોના ફાયદા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વર્તમાન આર્થિક સંકટને કારણે નોકરી ગુમાવનારા અમેરિકનોની મદદ માટે આ પગલું જરૂરી છે. આ સસ્પેન્શન 24 જૂનથી લાગુ થશે. અમેરિકામાં કામ કરવા માટે H-1B વીઝા મેળવનાર લોકોમાં સૌથી વધારે ભારતીય આઈટી પ્રોફેશનલ હોય છે. જેથી વિઝાના પ્રતિબંધથી સૌથી વધુ નુકસાન ભારતીયોને થશે તે નક્કી છે. જોકે એવી પણ સંભાવના છે કે નવા વીઝા પ્રતિબંધથી હાલના સમયે વર્ક વીઝા પર અમેરિકામાં કામ કરતા લોકો પર અસર પડશે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરમાંથી અમેરિકામાં કામ કરવાનું સ્વપ્ન ધરાવતા 2.4 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. મહત્વનું છે કે, કોરોના વાઈરસના કારણે અમેરિકામાં બેરોજગારી દર ઊંચો જતો રહ્યો છે. અમેરિકાના લોકોને નોકરી આપવી પ્રાથમિકતા છે. ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં દર વર્ષે 85,000 લોકોને H-1B વિઝા મળે છે. જેમાં 70 ટકા ભારતીયોને ફાળે આવે છે.
શું હોય છે એચ-1બી વિઝા?
એચ-1બી વિઝા એક બિન-પ્રવાસી વિઝા છે. કોઈ પણ અન્ય દેશના કર્મચારીને અમેરિકામાં 6 વર્ષ કામ કરવાની મંજૂરી માટે આપવામાં આવે છે. અમેરિકામાં કાર્યરત કંપનીઓને આ વિઝા એવા કુશળ કર્મચારોઓને નોકરી પર રાખવા માટે આપવામાં આવે છે જેની અમેરિકામાં અછત હોય. આ વિઝાની કેટલીક શરતો પણ છે. જેમ કે આ વિઝા મેળવનાર વ્યક્તિ સ્નાતક હોવા ઉપરાંત કોઈ પણ એક ક્ષેત્રમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત એચ-1બી વિઝા મેળવનાર કર્મચારીનો વાર્ષિક પગાર ઓછામાં ઓછો 60 હજાર ડોલર એટલે કે લગભગ 40 લાખ રૂપિયા હોવો જોઈએ.
આ વિઝાની એક ખાસિયત એ પણ છે કે, આ અન્ય દેશના લોકો માટે અમેરિકામાં સ્થાયી થવાનો રસ્તો પણ સરળ બનાવી દે છે. એચ-1બી વિઝા ધારક પાંચ વર્ષ પછી અમેરિકાની નાગરિકતા (ગ્રીન કાર્ડ) મેળવવા માટે અરજી કરી શકે છે. આ વિઝાની માંગ એટલી છે કે, એને દર વર્ષે લોટરી મારફતે ઈશ્યુ કરવામાં આવે છે. એચ-1બીનો સૌથી વધુ ઉપયોગ ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ, અને ટેક મહિન્દ્રા જેવી 50થી વધુ ભારતીય આઈટી કંપનીઓ ઉપરાંત માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી દિગ્ગજ અમેરિકન કંપનીઓ પણ કરે છે.