વોશિંગ્ટનઃ મુદત દરમિયાન બે વખત ઈમ્પીચ થનાર ડોનાલ્ડ ટ્રમ્પ આ રીતે ઘોર અને શરમજનક રાષ્ટ્રીય અપમાનીત અમેરિકાના ઈતિહાસના પહેલા પ્રમુખ બન્યા છે. પ્રમુખ હોવા છતાં યૂક્રેન સાથે અંગત રીતે સોદાઓ કરવા બદલ ટ્રમ્પ સામે 2019માં પણ સંસદના પ્રતિનિધિ ગૃહે એમને ઈમ્પીચ કર્યા હતા, પરંતુ સેનેટ ગૃહે 2020માં એમને નિર્દોષ જાહેર કર્યા હતા. ગઈ કાલે પ્રતિનિધિ ગૃહે 232-197 મતોથી ટ્રમ્પના ઈમ્પીચમેન્ટનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટીના 10 સભ્યોએ પણ પ્રસ્તાવમાં વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીને ટેકો આપ્યો હતો. ગૃહનાં સ્પીકર અને ડેમોક્રેટ નેન્સી પેલોસીએ બાદમાં તે દસ્તાવેજ પણ બતાવ્યો હતો. ટ્રમ્પ પર આરોપ છે કે એમણે પોતાના સમર્થકોને હિંસક દેખાવ કરવા ભડકાવ્યા હતા જેથી પોતાની ખુરશી ટકી રહે અને ડેમોક્રેટિક પાર્ટીના જૉ બાઈડન નવા પ્રમુખ તરીકે શપથ લઈ ન શકે. ટ્રમ્પની ઉશ્કેરણીને પગલે એમના સમર્થકોએ ગયા અઠવાડિયે કેપિટલ હિલ (અમેરિકી સંસદ) પર હુમલો કર્યો હતો. એ વખતે સંસદમાં બેઠક ચાલુ હતી. ઉપપ્રમુખ માઈક પેન્સ તથા અન્ય સભ્યોને હિંસાનો ભોગ બનતા બચવા સુરક્ષિત જગ્યાએ આશરો લેવો પડ્યો હતો. હિંસામાં પાંચ જણનું મૃત્યુ નિપજ્યું હતું.
જોકે ટ્રમ્પને એમની ચાર-વર્ષની મુદત પૂરી થવા પૂર્વે હોદ્દા પરથી દૂર કરવાનું જલદી બને એવું લાગતું નથી. હવે ઈમ્પીચમેન્ટ પ્રસ્તાવ પર સંસદના અન્ય ગૃહ સેનેટમાં મતદાન થશે, જે છેક આવતા મંગળવારે થવાની ધારણા છે. સેનેટમાં રીપબ્લિકન પાર્ટીની બહુમતી છે. ત્યાંના નેતા મિચેલ મેકોનેલે ઈમ્પીચમેન્ટ કાર્યવાહી ત્વરિત કરવાની રીપબ્લિકન્સની વિનંતીનો અસ્વીકાર કર્યો છે. 20 જાન્યુઆરી પ્રમુખ તરીકે બાઈડનનો શપથવિધિ દિવસ છે. અત્યાર સુધી સેનેટ ગૃહે અમેરિકાના એકેય પ્રમુખને ઈમ્પીચમેન્ટ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી દૂર કરવાની સંમતિ આપી નથી. 1868માં એન્ડ્રૂ જોન્સન, 1998માં બિલ ક્લિન્ટન અને 2019માં ડોનાલ્ડ ટ્રમ્પને પ્રતિનિધિ ગૃહે ઈમ્પીચ કર્યા હતા, પરંતુ સેનેટે ત્રણેયને નિર્દોષ જાહેર કર્યા હતા.