વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાત દરમિયાન ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું છે કે, અમેરિકા વિશ્વ વ્યાપાર સંગઠનમાંથી (WTO) બહાર નીકળી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન બાદ દુનિયાભર માંથી પ્રતિક્રિયા આવવાની શરુ થઈ ગઈ છે.બ્લૂમબર્ગને આપેલી એક મુલાકાતમાં અમેરિકાના પ્રેસિડેન્ટે જણાવ્યું છે કે, જો વિશ્વ વ્યાપાર સંગઠન અમારી શરતો પૂર્ણ નથી કરતું તો અમે તેમાંથી બહાર નીકળવા વિચાર પણ કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે, જો અમેરિકા આ પ્રકારનો કોઈ નિર્ણય લેશે તો સમગ્ર વિશ્વના ટ્રેડિંગ સિસ્ટમ ઉપર તેની મોટી અસર થઈ શકે છે.
મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે તેમના માટે (WTO માટે) ઘણું કર્યું છે. અને હવે જો વિશ્વ વ્યાપાર સંગઠન અમેરિકાની શરતો માનવાનો ઈનકાર કરે છે તો તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું કે, ‘મને નથી ખબર કે, અમે WTOમાં શુંકામ છીએ. મને એવું લાગી રહ્યું છે કે, WTOને ફક્ત એટલા માટે બનાવવામાં આવ્યું છે જેથી તે અમેરિકાને બરબાદ કરી શકે’.
જોકે ટ્રમ્પના ઈન્ટરવ્યૂ પછી ટ્રેઝરી સેક્રેટરીએ જણાવ્યું કે, હજી ટ્રમ્પ વહીવટીતંત્રએ આ અંગે કોઈ વિચાર કર્યો નથી. બીજી તરફ અન્ય એક અધિકારીના જણાવ્યા મુજબ થોડા સમય પહેલાં આ પ્રકારની વાતનો ચર્ચા દરમિયાન ઉલ્લેખ થયો હતો, પરંતુ આ અંગે હજી સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.