જોખમી બાઈક સ્ટન્ટ કરવા જતાં એલેક્સ હાર્વિલનું મૃત્યુ

વોશિંગ્ટનઃ 28 વર્ષના અને જાણીતા મોટરસાઈકલ સ્ટન્ટમેન એલેક્સ હાર્વિલનું વિશ્વ વિક્રમી છલાંગ લગાવવાના પ્રયાસમાં એમની મોટરસાઈકલ ક્રેશ થતાં એમનું કરુણ મૃત્યુ થયું છે. એમના જીવલેણ સ્ટન્ટનો રૂંવાડા ઊભાં કરી દે તેવો વિડિયો વાઈરલ થયો છે.

ઈન્ડીપેન્ડન્ટ અખબારના અહેવાલ મુજબ, કમનસીબ બનાવ વોશિંગ્ટનમાં મોઝીસ લેક એરશો ખાતે બન્યો હતો. હાર્વિલ સૌથી લાંબો મોટરસાઈકલ રેમ્પ જમ્પ માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરતા હતા ત્યારે એમને અકસ્માત નડ્યો હતો અને એમનું મૃત્યુ થયું છે. હાલનો જમ્પ રેકોર્ડ 351 ફૂટનો છે અને હાર્વિલ એ તોડવા માગતા હતા. પરંતુ પ્રેક્ટિસ રન વખતે એમની બાઈક માટીના ઢગલા પર સહેજ આગળ લેન્ડ થતાં ફસડાઈ પડ્યું હતું અને હાર્વિલ ડઝન ફૂટ દૂર ફંગોળાઈ ગયા હતા. જોખમ ખેડવામાં માનતા હાર્વિલનું ઈજાઓને કારણે નિધન થયું હતું. હાર્વિલની પત્નીએ હજી અમુક જ દિવસો પહેલાં એમનાં બીજા સંતાનને જન્મ આપ્યો હતો. હાર્વિલ ઘણા અનુભવી સ્ટન્ટમેન હતા. 2013માં એમણે માટીના એક ઢગલા (ડર્ટ રેમ્પ) પરથી 297 ફૂટ દૂરના બીજા મોટા ઢગલા પર મોટરસાઈકલ સફળતાપૂર્વક લેન્ડ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]