ICJ: દલવીર ભંડારી બીજીવાર જજ તરીકે ચૂંટાયા, બ્રિટને કહ્યું ભારતની જીતથી ખુશ છીએ

ન્યૂયોર્ક- ભારતના દલવીર ભંડારી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના (ICJ) જજ તરીકે બીજી વખત ચૂંટાઈ આવ્યા છે. ICJમાં જજની સીટ માટે દલવીર ભંડારી અને બ્રિટનના ઉમેદવાર વચ્ચે મુકાબલો હતો પરંતુ અંતિમ ક્ષણોમાં બ્રિટને પોતાના ઉમેદવારને પાછો ખેંચી લેતા ચૂંટણીમાંથી હટાવી લીધા.

ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં થયેલી ચૂંટણીમાં દલવીર ભંડારીને 193માંથી 183 વોટ મળ્યા હતા. જ્યારે સુરક્ષા પરિષદના તમામ 15 સભ્યોના મત પણ દલવીર ભંડારીને મળ્યા હતા. આ પહેલાં બ્રિટને ચૂંટણી પહેલાં જ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ ભંડારીને ફરીથી પસંદ કરવા માટેનો રસ્તો સાફ થઈ ગયો હતો.

રાજસ્થાનના જોધપુરના જાણીતા વકીલ મહાવીરચંદ ભંડારીના પુત્ર દલવીર ભંડારીનો જન્મ 1946માં થયો હતો. જોધપુર યુનિવર્સિટીમાંથી લો કર્યા બાદ તેમણે અમેરિકામાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. રાજસ્થાન હાઈકોર્ટમાં થોડા વર્ષો પ્રેક્ટિસ કર્યા બાદ તેમણે દિલ્હીમાં પ્રેક્ટિસ શરુ કરી હતી. જસ્ટિસ દલવીર ભંડારીને વર્ષ 2014માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.