અમેરિકાએ નોર્થ કોરિયાનો આતંકવાદ સમર્થક દેશની યાદીમાં સમાવેશ કર્યો

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, તેમનો દેશ ઉત્તર કોરિયાને સ્પોન્સર ઓફ ટેરરિઝમ કરનારા દેશના લિસ્ટમાં ફરીથી સામેલ કરી રહ્યું છે. 9 વર્ષ પહેલા ઉત્તર કોરિયાનું નામ આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. આ નિર્ણયની જાહેરાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, આ નિર્ણય પહેલાં જ લઈ લેવો જોઈતો હતો.

પ્રેસિડેન્ટ ટ્રમ્પે કેબિનેટ મીટિંગમાં કહ્યું કે, આ નિર્ણય બાદ ઉત્તર કોરિયા પર મોટાપાયે વધારાના પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. જેની જાહેરાત હવે પછી કરવામાં આવશે. આમ કરવા પાછળનું કારણ ટ્રમ્પે ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્પોન્સર ઓફ ટેરરિઝમને પ્રોત્સાહન આપવાનું ગણાવ્યું હતું.

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધોને અવગણીને પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. આ પહેલા ઉત્તર કોરિયાએ પોતાનું છઠ્ઠું પરમાણું પરીક્ષણ કર્યુ અને મિસાઈલ લોન્ચ કરવાનું પણ ચાલુ રાખ્યું હતું.

અમેરિકાએ લગાવેલા આ પ્રતિબંધ દ્વારા ઉત્તર કોરિયાના આવકના સ્ત્રોતને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમેરિકા ઉત્તર કોરિયાથી કપડાં આયાત કરવા અને કાચા તેલની આયાત પર પ્રતિબંધ લગાવી શકે છે. ઉપરાંત કિમ જોંગે વિદેશોમાં વસાવેલી સંપત્તિ જપ્ત કરવાની પણ અમેરિકા દ્વારા ભલામણ કરવામાં આવી છે.

ટ્રમ્પની જાહેરાત બાદ હવે ઉત્તર કોરિયાનો સમાવેશ એવા દેશોની યાદીમાં કરવામાં આવ્યો છે, જેમાં સતત આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્પોન્સર ઓફ ટેરરિઝમને સમર્થન આપવામાં આવતું હોય. ઈરાન, સુદાન અને સીરિયાનો સમાવેશ પણ આ યાદીમાં કરવામાં આવ્યો છે.