સિતવે (મ્યાન્માર): ભારતીય ઉપખંડમાં બંગાળના અખાતના આકાશ પર સર્જાયેલું ભયાનક ચક્રવાતી વાવાઝોડું મોચા મ્યાનમારના સમુદ્રકાંઠા પર આજે ત્રાટક્યું છે. એને કારણે બંદરગાહ શહેર સિતવેમાં ભારે પૂર આવ્યું છે. પ્રતિ કલાક 210 કિલોમીટરની ઝડપે વિનાશકારી પવન ફૂંકાયો હતો. એને કારણે અનેક મકાનો હચમચી ગયા છે અને અસંખ્ય ઘરોના છાપરા ઉડી ગયા છે. રસ્તાઓ પર વીજળીના અનેક થાંભલાઓ ઉખડી ગયા છે.
સિતવેમાં અનેક મકાનમાં ગ્રાઉન્ડફ્લોરના ઘરોમાં પૂરનાં પાણી ઘૂસી ગયા છે. લાખો લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડું ત્રાટક્યા બાદ મ્યાન્મારના સિતવે, રખીને શહેરોમાં વીજળી પૂરવઠો ખોરવાઈ ગયો છે અને સંદેશવ્યવહાર નેટવર્ક્સ ઠપ થઈ ગયું છે.