કોરોનાની ચોથી લહેરઃ કેસ વધતાં WHOની ચેતવણી

ન્યૂયોર્કઃ અનેક દેશોમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ ફરી વધી રહ્યાં હોવાથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના એક અધિકારીએ ચેતવણી આપી છે કે કોવિડ-પ્રતિરોધક નિયમોની અવગણના કરવાનું ભારે પડી શકે છે. બીમારીના નવા પ્રકાર ફેલાઈ રહ્યા છે તેથી દરેક વ્યક્તિ વાઈરસ-વિરોધી રસી લે તે અત્યંત મહત્ત્વનું છે.

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ઓમિક્રોન વેરિઅન્ટના BA.4 અને BA.5 પેટા-પ્રકારોના ફેલાવાને શોધી કાઢ્યા બાદ પરિસ્થિતિ વધારે ગંભીર બની છે. દુનિયાના ઘણા દેશોમાં જુદા જુદા પ્રકારના વેરિઅન્ટના કેસ નોંધાયા છે. ચીનના આર્થિક પાટનગર ગણાતા શાંઘાઈ શહેરમાં, લોકડાઉન લાગુ કરાયા બાદ કોરોનાથી પહેલું મૃત્યુ નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં ત્યાં કોરોનાના 2,417 કેસ નોંધાયા છે. ભારતના રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ કોરોનાના નવા 517 કેસ નોંધાયા છે. સ્થાનિક વહીવટીતંત્ર નાગરિકો માટે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરી ફરજિયાત બનાવવા વિચારે છે.