ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદાય લેતા વડા પ્રધાન શાહબાઝ શરીફે કબૂલ કર્યું છે કે એમની સરકાર પણ શક્તિશાળી એવા દેશના લશ્કરના ટેકા વગર ચલાવી શકાય એમ નથી. શરીફનું આ વિધાન પાકિસ્તાનના રાજકારણમાં લશ્કરની મહત્ત્વની ભૂમિકાનું પ્રતિબિંબ પાડે છે.
આ જ શરીફ જ્યારે વિપક્ષી નેતા હતા ત્યારે એમના પુરોગામી વડા પ્રધાન ઈમરાન ખાનની ટીકા કરતા હતા કે એમની સરકાર હાઈબ્રિડ (વર્ણસંકર) છે અને દેશના લશ્કરના ટેકા પર ચાલે છે. પરંતુ હવે જ્યારે પોતે સત્તા પર આવ્યા છે ત્યારે એમણે પણ ઈમરાનવાળી જ પેટર્નને અપનાવી છે. જિયો ન્યૂઝને આપેલી મુલાકાતમાં શરીફે કહ્યું કે, ઈમરાન ખાનને પણ એમની મુદત દરમિયાન લશ્કરનો ટેકો મળ્યો હતો. દેશની દરેક સરકારને લશ્કરના ટેકાની આવશ્યક્તા રહે છે.