કોરોના-કેસોમાં ઉછાળોઃ અમેરિકાની એના નાગરિકોને ભારત છોડવાની સલાહ

અમદાવાદઃ દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમેરિકાએ એના નાગરિકોને વહેલી તકે ભારત છોડી દેવાની સલાહ આપી છે. આ સાથે હાલ તેના નાગરિકોએ ભારતનો પ્રવાસ નહીં કરવા પણ નિર્દેશ આપ્યા છે.  અમરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં લેવલ-4 એડવાઇઝરી ઇસ્યુ કરી છે, જે સૌથી ઉચ્ચ કક્ષાની હોય છે. ભારતમાં તમામ પ્રકારની મેડિકલ સેવાઓ બહુ ઝડપથી મર્યાદિત થવા લાગી છે અને તેથી અમેરિકનોએ જે પ્રથમ ફલાઇટ મળે તેમાં ભારત છોડી જવું જોઈએ.

અમેરિકાએ તેના નાગરિકોને સલાહ આપી છે કે ભારતથી અમેરિકા પહોંચવા માટે સંખ્યાબંધ વિમાની સેવાઓ ઉપલબ્ધ છે અને પેરિસ, ફ્રેન્કફર્ટની વિમાની સેવાઓ પણ ઉપલબ્ધ છે. નવી દિલ્હીસ્થિત યુએસ એમ્બેસીએ કહ્યું છે કે ભારતમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુની સંખ્યા રેકોર્ડ સ્તરે વધી ગયા છે. ઘણી જગ્યાએ કોરોના ટેસ્ટિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાઈ ગયું છે. હોસ્પિટલોમાં કોરોના અને નોન-કોરોનાના દર્દીઓ માટે તબીબી સાધનો, ઓક્સિજન અને બેડની અછત સર્જાઈ છે. કેટલાંક શહેરોમાં જગ્યાના અભાવે અમેરિકી નાગરિકોને હોસ્પિટલોમાં દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલો છે.

યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાના સર્જન જનરલ ડો. વિવેક મૂર્તિએ કહ્યું છે કે કોરોનાથી ભારતમાં ભયંકર પરિસ્થિતિ સર્જાવાના સમાચાર મળી રહ્યા છે, એ આઘાતજનક છે. મૂર્તિએ કહ્યું હતું કે ભારતમાં તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે દરરોજ વાત કરી રહ્યા છે. આ સમયે ભારતમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]