નવી દિલ્હીઃ લદ્દાખ સરહદ વિવાદની વચ્ચે ચીન ભારત પર નજર રાખવા માટે બધા દાવપેચ અજમાવી રહ્યું છે. ચીની સેના ભારતની સામે તિબેટ અને નેપાળથી હિન્દી ભાષાને જાણનારા લોકોની ભરતી કરી રહી છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી તિબેટ અને નેપાળમાં ગુપ્ત માહિતી હાંસલ કરવા માટે સક્ષમ લોકોની સેનામાં ભરતી કરી રહી છે.
ચીની સેના ભારતની વ્યૂહરચનાને સરળતાથી સમજવા માટે હિન્દી ભાષાને સમજી શકતા તિબેટ અને નેપાળના લોકોને આર્મીમાં જગ્યા આપી રહી છે. એક તાજા અહેવાલથી માલૂમ પડ્યું હતું કે આ ભરતી ઝુંબેશને આગળ વધારવા માટે તિબેટ સૈન્ય જિલ્લાના અધિકારી હિન્દી ગ્રેજ્યુએટ્સ લોકોની તપાસમાં યુનિવર્સિટીની મુલાકાત કરી રહ્યા છે.
તિબેટ સેના જિલ્લા પીએલએના પશ્ચિમી થિયેટર કમાન્ડના કન્ટ્રોલમાં છે. જે LACના નીચાણવાળા વિસ્તારોની દેખરેખ કરે છે. આ વિસ્તારમાં ભારતના અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડના સરહદી વિસ્તારો અને ઉત્તર-પૂર્વ રાજ્ય સિક્કિમ સામેલ છે. કેટલીક ગુપ્ત માહિતીથી માલૂમ પડ્યું હતું કે ગયા વર્ષે ચીનની સેના તિબેટિયનોની વધુ સંખ્યામાં ભરતીની ઝુંબેશ ચલાવી હતી.
એક અન્ય ઇનપુટ્સ મુજબ હાલના સમયે ચીની સેનામાં આશરે 7000 સક્રિય તિબેટ સુરક્ષા દળ છે. આમાં 1000 તિબેટિયન 100 મહિલાઓ પણ સામેલ છે. જૂન, 2020માં ગલવાન ખીણમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પછી ચીને હિન્દી ભાષાના જાણકારોની ભરતીની ઝુંબેશ ચલાવી હતી. એક સૂત્રના જણાવ્યા મુજબ હિન્દી ભાષા જાણકારને ચીનની સેના LACમાં વિવિધ ભૂમિકાઓ માટે ઇન્ટરસેપ્શન જોબ માટે તહેનાત કરી શકે છે.