USમાં વરિષ્ઠ નાગરિકોને છેતરનાર ભારતીયને ત્રણ વર્ષની જેલ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનને વરિષ્ઠ નાગરિકો સાથે છેતરપિંડી કરવા બદલ ત્રણ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. આ ભારતીય અમેરિકનને ટેલિમાર્કેટિંગ યોજનામાં મની લોન્ડરિંગ (ગેરકાયદે નાણાંને કાયદેસર)ના કેસમાં સજા સંભળાવવામાં આવી છે. ઇલિયોનસના ઉત્તરી જિલ્લામાં અમેરિકી અટોર્ની જોન આર લોશે ગુરુવારે સજા સંભળાવી હતી. 29 વર્ષીય હીરેન પી. ચૌધરીને ગયા વર્ષે મની લોન્ડરિંગના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હિરેનકુમારે ટેલિમાર્કેટિંગ યોજનામાં વરિષ્ઠ પીડિતો પાસેથી સીધા નાણાં પ્રાપ્ત કરીને એને કાયદેસર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

વરિષ્ઠ નાગરિકોના જણાવ્યાનુસાર હિરેનકુમાર પી. ચૌધરીએ ટેલિમાર્કેટિંગ યોજનામાં પીડિતાથી નાણાં લેવા માટે અમેરિકામાં કેટલીય બેન્કોમાં ખાતાં ખોલવા માટે એક નકલી પાસપોર્ટ, ખોટાં નામ અને ખોટાં એડ્રેસનો ઉપયોગ કર્યો હતો.

ન્યાય વિભાગે કહ્યું હતું કે આ પીડિતાઓમાંથી એક મેસેચ્યુસેટ્સની એક નિવૃત્ત નર્સ હતી, જેણે પોતાની બેન્કમાંથી અને સેવાનિવૃત્ત ખાતાંઓમાંથી કુલ નવ લાખ ડોલરથી વધુ હિરેનકુમાર અથવા અન્ય દ્વારા નિયંત્રિત ખાતાઓમાં ટ્રાન્સફર કર્યાં હતાં. હિરેનકુમાર બધુ જાણતો હોવા છતાં ગેરકાયદે નાણાંની હેરફેરમાં લાગેલો હતો.

19 એપ્રિલ, 2018એ હિરેનકુમારે બેન્કમાં એક ખાતું ખોલ્યું અને મેસેચ્યુસેટ્સ પીડિતા પાસેથી 7000 ડોલર ટ્રાન્સફર કરાવડાવ્યા હતા અને તેમાંથી તેણે શિકાગોમાંની બેન્ક શાખામાં 6500 ડોલર ઉપાડી લીધા હતા. જોકે હિરેનકુમાર આ ગેરકાયદે વ્યવહારને જાણતો હતો, છતાં તે મની લોન્ડરિંગ કામકાજમાં સામેલ હતો, એમ એણે કહ્યું હતું.