ઈસ્લામાબાદ- ભારત અને રશિયા વચ્ચે હાલમાં જ થયેલી S-400 મિસાઈલ ડીલના જવાબમાં પાકિસ્તાન અને ચીન વચ્ચે મિલિટરી ડ્રોન ડીલ કરવામાં આવી છે. જે અંતર્ગત ચીને પાકિસ્તાનને 48 હાઈ ક્વોલિટી મિલિટરી ડ્રોન વેચવાનો નિર્ણય કર્યો છે.આ અંગેની માહિતી ચીની અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. જોકે આ ડીલમાં ખર્ચ થનારી કિંમત અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. આ યૂએવી (અનમેન્ડ એરિયલ વ્હીકલ) પ્રકારના ડ્રોનનું નિર્માણ ચેંગ્ડુ એરક્રાફ્ટ ઈન્ડસ્ટ્રિયલ દ્વારા કરવામાં આવ્યું છે.
ચીનની સરકારી મીડિયાના જણાવ્યા મુજબ ચીન ઈસ્લામાબાદનું સૌથી મોટું સહયોગી છે. જે પાકિસ્તાન આર્મીનું સૌથી મોટું હથિયાર સપ્લાયર પણ છે. બન્ને દેશ સાથે મળીને સિંગલ એન્જીન મલ્ટિ-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ જેએફ થંડરનું પણ નિર્માણ કરી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ પાકિસ્તાન આર્મી ઘણા લાંબા સમયથી ચીન પાસેથી મિલિટરી ડ્રોન ખરીદવા પ્રયાસ કરી રહી હતી. પરંતુ ભારત અને રશિયા વચ્ચે થયેલી S-400 ડીલના તરત બાદ ચીને પાકિસ્તાનને ડ્રોન વેચવા પરવાનગી આપી છે. આપને જણાવી દઈએ કે, ભારત અને રશિયા વચ્ચે ગત સપ્તાહે દ્વીપક્ષીય ચર્ચા દરમિયાન S-400 મિસાઈલ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.