ઈસ્લામાબાદ- કરોડો ડોલરના ખર્ચે નિર્માણાધીન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ સામે આવતાં ચીને અસ્થાયીરુપે આ પરિયોજનામાં ફંડનું રોકાણ અટકાવવાનો નિર્ણય કર્યો છે.
ગઇકાલે જારી કરવામાં આવેલા મીડિયા અહેવાલ મુજબ ચીનના આ પગલાંથી પાકિસ્તાની અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયાં છે. પાકિસ્તાની સમાચાર પત્રના જણાવ્યા અનુસાર ચીનના અચાનક લેવામાં આવેલા આ પ્રકારના નિર્ણયને કારણે પાકિસ્તાન નેશનલ હાઈવે ઓથોરિટીની કરોડો ડોલરની પરિયોજનાઓને મોટો ફટકો પડશે. જેના લીધે ઓછામાં ઓછી ત્રણ યોજનાઓનું કામ અટકી પડવાની આશંકા છે.
પાકિસ્તાન સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ બિજિંગ દ્વારા નવી ગાઈડલાઈન રજૂ કરાયા બાદ જ નવું ફંડ રિલીઝ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, CPECએ ચીની પ્રેસિડેન્ટ શી જિનપીંગની મહત્વાકાંક્ષી યોજના ‘વન બેલ્ટ વન રોડ’ (OBOR) પરિયોજનાનો એક ભાગ છે. આ યોજના (PoK) પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાંથી પસાર થાય છે. જેના દ્વારા ચીનના શિનજિયાંગ પ્રાંતને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંત સાથે જોડવામાં આવશે.
ચીન દ્વારા ફંડ અટકાવવાને કારણે જે યોજનાઓ પ્રભાવિત થશે તેમાં 210 કિલોમીટર લાંબો ડેરા ઈસ્માઈલ ખાન-ઝોબ રોડ જે 81 અબજના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 110 કિમી લાંબો ખુજદાર-બસિમા રોડ આશરે 20 અબજના ખર્ચે નિર્માણાધીન છે. ત્રીજી યોજના જે ફંડના અભાવે પ્રભાવિત થઈ શકે છે તે છે, રાયકોટથી થાનકોટ વચ્ચેનો કારાકોરમ હાઈવે. 136 કિમી લાંબી આ માર્ગ પરિયોજના ઉપર આશરે 8.5 અબજ રુપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.