જેરુસલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા અપાયા બાદ આરબમાં વધી શકે છે તણાવ

જેરુસલેમ- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલની રાજધાની તરીકે જેરુસલેમને માન્યતા આપવાને લઈને પોતાના વક્તવ્યમાં મહત્વની જાહેરાત કરી શકે છે. સાથે જ પોતાના ગૃહવિભાગને પણ જાણકારી આપશે કે તેલ અવીવ સ્થિત અમેરિકન એમ્બસીને પવિત્ર શહેર જેરુસલેમમાં ખસેડવાની પ્રક્રિયા શરુ કરવામાં આવે. જોકે અગાઉ મળેલી માહિતી મુજબ ઉગ્ર વિરોધને પગલે પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ અંગેના તેમના નિર્ણયને ટાળે તેવા સમાચાર જાણવા મળ્યાં હતાં.

વ્હાઈટ હાઉસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે સ્થાનિક સમય પ્રમાણે બપોરે એક વાગે જેરુસલેમ નીતિ અંગે જાહેરાત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યા મુજબ જેરુસલેમ પ્રાચીન સમયથી યહુદીઓની રાજધાની છે અને આધુનિક સત્ય પણ એ જ છે કે, ઈઝરાયલ સરકારના મુખ્ય મથક, અનેક પ્રમુખ સરકારી કચેરીઓ, સંસદ અને સુપ્રીમ કોર્ટ પણ જેરુસલેમમાં જ આવેલા છે.

ઉલ્લેખનીય છે કે, નવા દૂતાવાસ માટે યોગ્ય જમીનની શોધ અને નિર્માણ કાર્યમાં 2-3 વર્ષ જેટલો સમય લાગશે. અમેરિકન અધિકારીએ જણાવ્યું કે, ટ્રમ્પ તેમના ચૂંટણી વચનને પૂર્ણ કરી રહ્યાં છે. પ્રમુખપદની ચૂંટણી પહેલા ટ્રમ્પે જેરુસલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાનું વચન આપ્યું હતું.