ચીને વિકસાવી ‘લેઝર ડિફેન્સ સિસ્ટમ’, ભારતની સરહદે કરી શકે છે તહેનાત

બિજીંગ- ચીને એક નવી લેઝર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે. જે ડ્રોન, ગાઇડેડ બોમ્બ અને મોર્ટાર જેવા અનેક પ્રકારના હુમલા રોકવા માટે સક્ષમ છે. ચીનની સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના એક અહેવાલ અનુસાર દક્ષિણ ગુઆંગ્ડોંગ પ્રાંતના ઝુઆઇ શહેર ખાતે યોજાયેલા એક એર શો દરમિયાન આ સિસ્ટમ પ્રદર્શિત કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ આ સિસ્ટમને ભારત સાથે જોડાયેલા તિબેટના પઠાર અને વિવાદાસ્પદ દક્ષિણ ચીની સમુદ્રમાં તહેનાત કરવામાં આવી શકે છે. LW-30 નામની આ લેઝર ડિફેન્સ સિસ્ટમ વાહન ઉપર લઇ જઇ શકાય છે. આ સિસ્ટમ ચીનના સૌથી મોટા મિસાઇલ નિર્માતાઓમાંના એક એવા ચીન એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને તૈયાર કરી છે.

કંપનીના જણાવ્યા મુજબ LW-30 ફોટોઇલેક્ટ્રીક ગાઇડેડ ડિવાઇસની મદદથી ડ્રોન, ગાઇડેડ બોમ્બ અને મોર્ટાર જેવા અનેક પ્રકારના હવાઇ હુમલાને રોકવા માટે લેસરનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે, ચીન આધુનિક લેઝર શસ્ત્રો વિકસાવી રહ્યું હોવાના દાવા અમેરિકા અગાઉ પણ કરી ચૂક્યું છે.

ગત જુલાઇમાં અમેરિકાના એક સૈન્ય અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, સપ્ટેમ્બર 2017 બાદ અલગ અલગ 20 બનાવોમાં અમેરિકાના વિમાનોને ટાર્ગેટ કરવા માટે લેઝર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકન વિમાનો ઉપર ફ્લેશ કરવામાં આવેલા આ લેઝર કિરણો પાછળ ચીનનો હાથ હોવાની અમેરિકાને આશંકા વ્યક્ત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]