બિજીંગ- ચીને જણાવ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ દૂર કરવા તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ચીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઈમરાન ખાન દ્વારા દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટેનાં નિવેદનની પ્રશંસા પણ કરી હતી.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે જણાવ્યું હતું કે, પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સુધાર અને વિકાસ જરુરી છે. વધુમાં લુ કાંગે એમ પણ જણાવ્યું કે, ‘અમે આ સાથે જોડાયેલા અહેવાલ જોયાં છે અને અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના નેતા દ્વારા દ્વિપક્ષીય સંબંધો વિશે કરવામાં આવેલા સકારાત્મક નિવેદનનું સ્વાગત કરીએ છીએ’.
લુ કાંગે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાન બન્ને દક્ષિણ એશિયાના મહત્વપૂર્ણ દેશ છે. ભારત અને પાકિસ્તાનના પડોશીઓના સ્વરુપમાં, ચીન બન્ને પક્ષોને દ્રઢતાથી પરસ્પરનો વિશ્વાસ વધારવા, તેમની વચ્ચેનો મતભેદ સંભાળવા અને તેનું સમાધાન લાવવા બન્ને પક્ષોનું સમર્થન કરે છે. ચીને આશા વ્યક્ત કરી કે, બન્ને દેશ પ્રાદેશિક શાંતિ અને વિકાસને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ રહેશે. અને ચીન પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે’.