બિજીંગ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અરુણાચલ પ્રદેશની મુલાકાતથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે કહ્યું કે, બન્ને દેશ વચ્ચે વર્તમાન સ્થિતિ જોતાં ભારતે આવી ઘટનાઓથી બચવું જોઈએ. ચીને ભારતને શિખામણ આપતાં કહ્યું કે, બન્ને દેશ વચ્ચેના સંબંધો ખૂબ જ સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ભારતે સરહદી વિસ્તારોમાં એવી કાર્યવાહીથી બચવું જોઈએ, જેથી બન્ને દેશ વચ્ચે તણાવ વધતો અટકાવી શકાય.
ચીની પ્રવક્તાએ કહ્યું કે, બન્ને દેશ મતભેદવાળા મુદ્દાઓ પર સમાધાનનો માર્ગ શોધી રહ્યાં છે. ભારતીય રાજનેતાઓના અરુણાપ્રદેશના સતત પ્રવાસ અંગે ચીને વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું કે, બન્ને દેશોએ કોઈ એવો માર્ગ અપનાવવો જોઈએ જે ચીન અને ભારત બન્નેને સ્વીકાર્ય હોય.
આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ કોવિંદ અરુણાચલ પ્રદેશ વિધાનસભાના નવનિર્મિત ભવનનું ઉદઘાટન કરવા અરુણાચલના પ્રવાસે ગયા હતા. જ્યાં વિશેષ સત્રને સંબોધન કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, આ ઈમારતની જેમ અહીંના નેતાઓના હ્રદયમાં પણ લોકો માટે વિશાળ જગ્યા હોવી જોઈએ, જેણે ઘણી આશાઓ સાથે તમને ચૂંટીને અહીં મોકલ્યા છે. જેથી નેતાઓએ પૂરી ગંભીરતાથી પોતાની ફરજ નિભાવવી જોઈએ.
રાષ્ટ્રપતિ કોવિંદનો સરહદી રાજ્યનો આ બીજો પ્રવાસ હતો. આ પહેલા પણ તેઓ ઓગસ્ટ મહિનામાં એક દિવસના પ્રવાસે લદ્દાખ ગયા હતા. સરહદ પર ચીનની દખલગીરી વચ્ચે રાષ્ટ્રપતિનો આ પ્રવાસ ઘણો મહત્વનો હતો. આ પ્રવાસમાં સેના પ્રમુખ પણ તેમની સાથે હતા.
ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે ભારત અને ચીનના અધિકારીઓએ બિજીંગમાં ભારત-ચીન મામલે પરામર્શ અને સમન્વય કાર્યતંત્રમાં સરહદ સાથે અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ અંગે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બન્ને દેશોએ ભારત-ચીન સરહદની દરેક સ્થિતિઓની સમીક્ષા કરી હતી, અને દ્વિપક્ષીય સંબંધઓમાં સુધાર લાવવા તેમજ સરહદ પર શાંતિ જળવની રહે તે માટે સહમતિ દર્શાવી હતી.