ડરબનમાં ભારતીય દૂત શશાંક વિક્રમના પરિવારને બંધક બનાવી કરાઈ લૂંટ

ડરબન- દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં ભારતના કોન્સ્યૂલ જનરલ શશાંક વિક્રમના પરિવારને લૂંટારુઓએ ટાર્ગેટ કરી તેમને બંધક બનાવી ઘરમાં લૂંટ ચલાવી હતી. શશાંક વિક્રમ અને તેમના પરિવારને ઈન્સ રોડ સ્થિત તેમના ઘરે બંદૂકની અણીએ બંધક બનાવવામાં આવ્યા હતા. ઘટના બાદ વિદેશપ્રધાન સુષમા સ્વરાજે શશાંક વિક્રમ સાથે વાત કરી તેમને શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું હતું.

શશાંક વિક્રમના ઘરે જ્યારે આ ઘટના બની ત્યારે તેમનો 5 વર્ષનો દીકરો, અન્ય ડોમેસ્ટિક સ્ટાફ અને એક શિક્ષક પણ તેમના ઘેર હાજર હતાં. મળતી માહિતી મુજબ લૂંટારુઓ આધુનિક હથિયારોથી સજ્જ હતાં. લૂંટારુઓ શશાંક વિક્રમના ઘરનો મેઈન ગેટ તોડીને ઘરમાં ઘૂસ્યાં હતાં. આ પહેલાં લૂંટારુઓએ ગેટ પર ફરજ બજાવતા એક ગાર્ડને ઘાયલ કર્યો હતો. લૂંટારુઓએ શશાંક વિક્રમના 5 વર્ષના દીકરાને બંદૂકની અણીએ બંધક બનાવી પરિવાર પાસેથી રોકડ રકમ અને દાગીનાની માગ કરી હતી.

મળતી માહિતી મુજબ શશાંક વિક્રમના પરિવારને લૂંટારુઓ દ્વારા શારીરિક ઈજા પહોંચાડવામાં આવી નથી. પરંતુ આ ઘટનાથી પરિવારને આઘાત લાગ્યો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ઘરમાં કામ કરનારા સ્ટાફ મેમ્બર્સનો મોબાઈલ છીનવી લેવામાં આવ્યો હતો. ઘટના બાદ ભારતે દક્ષિણ આફ્રિકાને વિયેના સંધિ અંતર્ગત રાજકીય કર્મચારીઓ અને સંપત્તિની સુરક્ષાની જવાબદારી અંગે યાદ અપાવી છે.