બેઈજિંગ: કોરૉના વાયરસના કહેરને પગલે બે શહેરને સીલ કરી દેવામાં આવ્યા છે. અગત્યનું કામ હોય તો જ બહાર નિકળવા કે શહેર છોડવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે. ટ્રેન અને વિમાન સેવા પર પ્રતિબંધ મૂકવાને કારણે હુઆંગગેંગ અને વુહાન શહેરમાં 2 કરોડ લોકો આ બંધનો સામનો કરી રહ્યા છે. વુહાનમાં આ બિમારી ઝડપથી ફેલાઈ રહી છે તેને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, હવે આ વાયરસની ઝપેટમાં આવેલા 17 લોકોના લોકોના મોત થઈ ગયા છે અને દેશમાં આ સંબંધિત લગભગ 571 કેસ સામે આવ્યા છે.
અધિકારીઓએ સૌથી પહેલા વુહાન શહેરને સીલ કર્યું છે. આ શહેરની વસ્તી 1.1 કરોડ છે. અહીંના લોકોને સૂચના આપવામાં આવી છે કે, કોઈ ઈમરજન્સી કામ વગર શહેર છોડવું નહીં. ત્યારપછી આ પ્રકારની જ સૂચના પાડોશી શહેર હુઆંગગેંગ માટે પણ આપવામાં આવી. વુહાનથી આવતી ટ્રેનો અને માર્ગ પરિવહન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જેથી લોકોમાં ઘબરાહટનો માહોલ છે. હુઆંગગેંગ શહેરમાં 75 લાખ લોકો રહે છે. અધિકારીઓએ જણાવ્યું તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને બાર તેમજ સિનેમાઘર બંધ રહેશે. ત્રીજું નજીકનું શહેર ઝોઉનું રેલવે સ્ટેશન પણ રાત સુધીમાં બંધ કરી દેવામાં આવશે.
વુહાન શહેરને સીલ કરાયાના થોડા સમય પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (who)એ તેમના સ્થાનિક પ્રતિનિધિ ગોડેન ગાલિયાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળને સ્થિતિનીનું નિરીક્ષણ કરવા માટે મોકલી છે. ગાલિયાના નેતૃત્વમાં પાંચ સભ્યોની ટીમે ચીન રોગ નિયંત્રણ કેન્દ્રની સ્થાનિક બોયસેફ્ટી પ્રયોગશાળા, હોસ્પિટલો અને એરપોર્ટની મુલાકાત લીધી. આ દરમિયાન ગાલિયાએ આરોગ્ય કર્મચારીઓ, ડિઝાસ્ટર ઇન્સ્પેક્ટર અને શહેર અધિકારીઓ સાથે વાતચીત કરી જેમણે જણાવ્યું કે વહીવટીતંત્ર કેવી રીતે પીડિતોને ઓળખી અને રોગને ફેલાતો અટકાવવા માટે પગલાં લઈ રહ્યું છે.
ભારત પણ સતર્ક
ચીનમાં ફેલાયેલા આ જીવલેણ કરૉના વાયરસને લઈને ભારતમાં ચીનમાં રહેતા ભારતીય નાગરિકોને લઈને ચિંતિત છે અને તેમના માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ભારત આ મામલે સતર્ક છે અને ચીન સ્થિતિ અમારા દૂતાવાસે પણ એડવાઈઝરી જાહેર કરી છે. અહીં આવતા લોકોને સ્ક્રીનિંગ પ્રોસેસમાંથી પસાર થવું પડશે અને ત્યાં રહેલા ભારતીયોએ સતર્ક રહેવું પડશે.