બિજીંગ- હોંગકોંગથી મકાઉ અને ચીનના ઝુહાઈ શહેરને જોડતો વિશ્વનો સૌથી લાંબો દરિયાઈ પુલ આજથી ખુલ્લો મુકાશે. પુલનું નિર્માણ કાર્ય શરુ થયાના નવ વર્ષ બાદ તેને ખુલ્લો મુકવામાં આવશે. વિશ્વના સૌથી લાંબા દરિયાઈ પુલને બનાવવા માટે 20 અબજ ડોલરનો ખર્ચ થયો છે.ઝુહાઈમાં યોજાનારા પુલને ખુલ્લો મુકવાના સમારોહ કાર્યક્રમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજર રહે તેવી સંભાવના છે. આ સમારોહમાં હોંગકોંગ અને મકાઉના ટોચના અધિકારીઓ પણ હાજર રહેશે. 55 કિલોમીટર લાંબા આ પુલનું ઉદ્ઘાટન પહેલાં 2016માં થવાનું હતું. પરંતુ હવે તેને આ વર્ષે ખુલ્લો મુકવામાં આવશે.
આ પુલ ચીનની ગ્રેટર બે એરિયા યોજનાનો મુખ્ય ભાગ છે. ગ્રેટ બે એરિયા યોજના દક્ષિણ ચીનનો લગભગ 56 હજાર 500 ચોરસ કિલોમીટર ક્ષેત્રને આવરી લે છે. આ ક્ષેત્રમાં 6.8 કરોડ લોકો રહે છે. અને તેમાં હોંગકોંગ-મકાઉ સહિત 11 શહેરોનો સમાવેશ થાય છે.
આ પુલનું નિર્માણ દરિયામાં કરવામાં આવ્યું છે. અગાઉ તેની સુરક્ષા નેવી દ્વારા કરવામાં આવતી હતી તેમજ જમીની સરહદનું રક્ષણ પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવતું હતું. અમેરિકાની સિલિકોન વેલીને ટક્કર આપવા દક્ષિણ ગુઆંગડોંગ પ્રાંતમાં આવેલા કથિત ગ્રેટર બે એરિયાને આ પુલ દ્વારા એક તાંતણે બાંધવાનો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ઉદ્દેશ છે.