2019ની લોકસભા ચૂંટણી બાદ ભારત તરફ મૈત્રીનો હાથ ફરી લંબાવીશ: ઈમરાન ખાન

ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આજે જણાવ્યું છે કે પોતે ભારત તરફ શાંતિનો હાથ આગળ કર્યો છે, પણ એમને કોઈ પ્રતિસાદ મળ્યો નથી. ખાને એમ પણ કહ્યું છે કે પોતે એવી આશા રાખે છે કે ભારતમાં 2019ની લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ ભારત સાથે પાકિસ્તાનના સંબંધો સુધારવાના પ્રયાસો ફરી શરૂ થશે.

ઈમરાન ખાને જણાવ્યું છે કે બીજા કોઈ પણ દેશ કરતાં પાકિસ્તાનને આજે સૌથી વધુ જરૂર છે શાંતિ અને સલામતીની.

ઉલ્લેખનીય છે કે, ભારતે ગયા મહિને ન્યુ યોર્કમાં યુનાઈટેડ નેશન્સ મહાસમિતિના સત્ર દરમિયાન બંને દેશના વિદેશ પ્રધાનો વચ્ચેની બેઠક રદ કરી હતી.

ભારતના વિદેશ મંત્રાલયે ત્યારે નિવેદન બહાર પાડ્યું હતું કે એક બાજુ સરહદ પારથી કરાતા હુમલાઓમાં કશ્મીરમાં ભારતીય સૈનિકોની હત્યા કરવામાં આવે છે ત્યારે પાકિસ્તાન સાથે મંત્રણા શક્ય નથી.

બીજી બાજુ, પાકિસ્તાને એમ કહ્યું હતું કે આવતા વર્ષની લોકસભા ચૂંટણી પૂર્વે પાકિસ્તાન સાથે મંત્રણા ટાળવા માટે ભારત બહાના બતાવે છે.