બિજીંગ- ચીનની સેનાએ (PLA) ભારતની સરહદ પર તહેનાત તેના સૈનિકોની એક ટુકડીને અત્યંત શક્તિશાળી એવી અમેરિકન પ્રકારની કોમ્બેટ સિસ્ટમથી સજ્જ કરી છે. ચીની મીડિયાના જણાવ્યા અનુસાર આમ કરવાથી સેનાને ભવિષ્યમાં યુદ્ધ માટે આયોજનબદ્ધ રીતે તૈયાર કરવામાં મદદ મળશે. ચીની સૈનિકોને અત્યાધુનિક સિસ્ટમ QTS-11થી સજ્જ કરાયા બાદ ભારતીય સૈનિકોએ વધુ સતર્ક રહેવું પડશે.મહત્વનું છે કે, ચીન તેની વાયુ સેનાને પણ અપડેટ કરી રહ્યું છે. જાણકારોનું માનીએ તો ચીનની સેના આ પ્રકારના કાર્યક્રમ કરીને ભારત પર એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવા પ્રયાસ કરી રહી છે.
ચીનની સેનાએ હાલમાં સુચનાબદ્ધ યુદ્ધ જેવી પ્રણાલીનો વ્યાપક ઉપયોગ શરુ કર્યો છે. જેમાં આઈટી, ડિજીટલ અને કૃત્રિમ બુદ્ધિમત્તાની એપ્લીકેશનનો ઉપયોગ યુદ્ધ જેવી સ્થિતિઓમાં કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ ચીનની સેનાની પશ્ચિમી કમાંડ દ્વારા આ પ્રકારની પ્રણાલીનો પયોગ કરવામાં આવે છે. આ કમાંડ 3488 કિમીની લાંબી (LAC) વાસ્તવિક નિયંત્રણ રેખા પર તહેનાત કરવામાં આવી છે.
ચીની જાણકારોના જણાવ્યા મુજબ QTS-11 સિસ્ટમ એટલી આધુનિક છે કે, અમેરિકાની સેના પણ તેનો ઉપયોગ કરી રહી છે. ચીનની સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, QTS-11 સિસ્ટમ વિશ્વમાં હાલમાં સૌથી મજબૂત ફાયરપાવર તરીકે જાણીતી છે. જેમાં ફાયર આર્મ્સ હોય છે. જે ટાર્ગેટને ઓળખીને પ્રહાર કરી શકે છે. આ પ્રણાલીમાં એક અસોલ્ટ રાઈફલ અને 20MMની ગ્રેનેડ લૉન્ચર પણ શામેલ હોય છે. આ સિસ્ટમનું વજન લગભગ 7 કિલો હોય છે.