નોર્થ કોરિયા પર USની સૌથી મોટી કાર્યવાહી, શિપિંગ ઈન્ડસ્ટ્રીઝ પર લગાવ્યો પ્રતિબંધ

વોશિંગ્ટન- અમેરિકા સહિત સમગ્ર વૈશ્વિક સમુદાયની અવગણના કરીને સતત પરમાણુ અને મિસાઈલ પરીક્ષણ કરી રહેલા નોર્થ કોરિયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શુક્રવારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાની શિપિંગ ઈન્ડસ્ટ્રીઝ અને ટ્રેડિંગ કંપનીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા નોર્થ કોરિયા સામે કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી છે.અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે નોર્થ કોરિયાની શિપિંગ સાથે જોડાયેલી જે 28 કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે, તે નોર્થ કોરિયા ઉપરાંત ચીન અને સિંગાપોરમાં પણ નોંધાયેલી કંપનીઓ છે. આપને જણાવી દઈએ કે, અમેરિકા દ્વારા આ પ્રતિબંધ મુકવાનો મુખ્ય ઉદ્દેશ્ય નોર્થ કોરિયાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ પર રોક લગાવવાનો છે. પરંતુ જાણકારોનું માનવું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રકારના પગલાથી નક્કર સમાધાન આવવાને બદલે બન્ને દેશો વચ્ચે તણાવમાં હજી વધારો થશે.

ગતરોજ એક કોન્ફરન્સને સંબોધન કરવા દરમિયાન અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકા નોર્થ કોરિયા પર અત્યાર સુધીનો સૌથી કડક પ્રતિબંધ મુકી રહ્યું છે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, ‘આ પ્રતિબંધની સકારાત્મરક અસર આવશે તેવો મને વિશ્વાસ છે’.

આ પહેલા પણ ટ્રમ્પ પ્રશાસને ગત વર્ષે જૂન અને ઓગષ્ટ મહિનામાં નોર્થ કોરિયાને મિસાઈલ કાર્યક્રમમાં મદદ કરનારી રશિયન અને ચીનની કંપનીઓ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી. તેમ છતાં અમેરિકા દ્વારા નોર્થ કોરિયા સામે કરવામાં આવેલી કાર્યવાહી આ વખત જેટલી મોટી નહતી. અમેરિકાની હાલની પ્રતિબંધની કાર્યવાહી બાદ ફરી એકવાર કોરિયાઈ ટાપુમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ વધી રહી છે.