ચીનમાં કોરોના વાઈરસથી 425 લોકોના મોત: 3235 નવા કેસ નોંધાયા

બેઈજિંગ: ચીનના આરોગ્ય વિભાગે કહ્યું કે, તેમને 31 પ્રાંત સ્તરીય વિસ્તારો અને શિનજિયાંગ પ્રોડક્શન એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પ્સ પાસેથી સોમવારે કોરોના વાઈરસથી સંક્રમણના 3235 નવા મામલાઓ તેમજ 64 લોકોના મોતની જાણકારી મળી છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર મોતના તમામ કેસ હુબેઈ વિસ્તારના છે. આયોગે કહ્યું કે, સોમવારે 5072 નવા સંદિગ્ધ મામલાઓની સૂચના મળી.

આયોગના જણાવ્યા અનુસાર સોમવારે 492 દર્દીઓ ગંભીર રીતે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા જેમાંથી 157 લોકોની સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સોમવારે રાત સુધીમાં ચીનના મુખ્યભાગમાં કોરોનાના 20,438 મામલાઓની ખાતરી કરવામાં આવી અને 425 લોકોના મોત નિપજ્યા છે.

આયોગે આગળ કહ્યું કે, 2788 દર્દીઓ હજુ પણ ગંભીર સ્થિતિમાં છે અને 23,214 લોકો આ વાઈરસનો ભોગ બની ચૂક્યા છે. અત્યાર સુધીમાં કુલ 632 લોકોને સારવાર આપ્યા પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ લોકોના સંપર્કમાં આવેલા અન્ય 2,21,015 લોકોની ઓળખ કરવામાં આવી ચૂકી છે અને જેમાંથી 12,755ને સોમવારે સ્વાસ્થ્યની તપાસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 1,71,329 લોકો હજુ પણ દેખરેખ હેઠળ છે. આયોગે કહ્યું કે, સોમવારે રાત સુધી હોંગકોંગ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રીઝન(એસએઆર)માં આના 15 મામલાઓ અને તાઈવાનમાં 10 મામલાઓની પુષ્ટી થઈ ચૂકી છે.