બીજિંગઃ ચીન દ્વારા ધરપકડ કરવામાં આવેલા 12 લોકતંત્રના સમર્થકોનો મામલો ચર્ચાને ચકડોળે ચઢ્યો છે. આમાં ચીન દ્વારા કોઈ ષડયંત્ર કરવામાં આવ્યું હોવાની આશંકા છે. અમેરિકાએ પણ આ મુદ્દે ચીન અને હોંગકોંગની તીખી આલોચના કરી છે. અમેરિકાએ હોંગકોંગના 12 લોકતંત્રતરફી અધિકારીઓને તેમના વકીલો સુધી પહોંચથી દૂર કરવા બદલ હોંગકોંગના અધિકારીઓની નિંદા કરી છે. અમેરિકાને આમાં ચીનનું નવું ષડયંત્ર માલૂમ પડે છે. ચીને આ 12 લોકતંત્ર કાર્યકર્તાઓને અલગાવવાદી જાહેર કર્યા છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર બીજિંગમાં વિદેશ મંત્રાલયે ઘોષણા કરી હતી કે યુવા ભાગેડુ લોકોનાં જૂથો- જે ગયા વર્ષના સરકારવિરોધી પ્રદર્શનોથી જોડાયેલાં હતાં, તે હોંગકોંગને ચીનથી અલગ કરવાના પ્રયાસ કરવાવાળાં તત્ત્વો છે. આ નિવેદનમાં પુષ્ટિ કરવામાં આવી છે કે આ જૂથમાં 11 પુરુષ અને એક મહિલા સામેલ છે, જેમની વય 16થી 33 વર્ષની છે.
આ ધરપકડ કરવામાં આવેલા લોકતંત્રના ટેકેદારોના પરિવારના સભ્યોને કહેવામાં આવ્યું છે કે જે વકીલોને તેમણે કેસ લડવા રાખ્યા છે, તેમને આ સમર્થકોની પહોંચથી દૂર રાખ્યા છે. ચીની વિદેશપ્રધાનના પ્રવક્તા ચુનયિંગે ટ્વીટમાં કહ્યું છે કે ધરપકડ કરવામાં આવેલા 12 લોકો લોકતંત્રના સમર્થક કાર્યકર્તા નહોતા, પણ આ અલગાવવાદી તત્ત્વ છે, જે ચીનથી અલગ હોંગકોંગના પ્રયાસ કરી રહ્યા છે.
આ પહેલાં અમેરિકા પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલા દાવાઓનો જવાબ આપતાં અમેરિકી વિદેશપ્રધાન માઇકલ પોમ્પિયોએ 11 સપ્ટેમ્બરે કહ્યું હતું કે અમેરિકાને ઊંડી ચિંતા છે કે બે સપ્તાહ પહેલાં ગ્વાંગડોંગ મેરિટાઇમ પોલીસે હોંગકોંગના 12 લોકતંત્ર કાર્યકર્તાની ધરપકડ કરી હતી, તેમને વકીલોની પહોંચથી દૂર કરી દેવામાં આવ્યા છે.
