કેનેડિયન PM ટ્રુડોના સંસદસભ્યએ ખાલિસ્તાન માગણીને વખોડી કાઢી

ઓટ્ટાવાઃ શીખ લોકો માટે ભારતથી અલગ ખાલિસ્તાનની કેનેડામાં વસતા કેટલાક શીખ લોકો દ્વારા કરાયેલી માગણીને લીધે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો હાલ તંગ થઈ ગયા છે. આ દરમિયાન, કેનેડાના ભારતીય મૂળના સંસદસભ્ય ચંદ્ર આર્યએ એવો આક્ષેપ કર્યો છે કે આતંકવાદી તત્ત્વો કેનેડામાં વસતા હિન્દૂ-કેનેડિયન લોકો પર હુમલા કરી રહ્યા છે અને એમને ધમકાવી રહ્યા છે કે તેઓ ભારત પાછા જતાં રહે. ચંદ્ર આર્યએ કેનેડામાં વસતાં તમામ હિન્દૂ-કેનેડિયન લોકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવે અને સતર્ક રહે તેમજ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો પોલીસતંત્રને જાણ કરે.

ચંદ્ર આર્ય કેનેડાની લિબરલ પાર્ટીના સંસદસભ્ય છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પણ આ જ પાર્ટીના નેતા છે. ચંદ્ર આર્યએ X (અગાઉના ટ્વિટર) પર વિસ્તારપૂર્વક સંદેશ પોસ્ટ કર્યો છે અને તેની મારફત કેનેડામાં વસતાં હિન્દૂઓને સાવચેત કર્યા છે.