લંડનઃ કોરોના વાઈરસ રોગચાળાના સંકટને કારણે બ્રિટનની જગવિખ્યાત એરલાઈન બ્રિટિશ એરવેઝે તેની સેવા હાલપૂરતી બંધ રાખી છે. કર્મચારીઓનું શું કરવું એ વિશે બ્રિટિશ એરવેઝ અને યુનાઈટ યુનિયન વચ્ચે ગયા અઠવાડિયાથી વાટાઘાટ શરૂ કરવામાં આવી છે.
બીબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, IAGની માલિકીની બ્રિટિશ એરવેઝ તેના 36 હજાર કર્મચારીઓને કદાચ નોકરીમાંથી સસ્પેન્ડ કરશે.
એરલાઈન તેના કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ, એન્જિનીયરો તથા મુખ્યાલયમાં કામ કરતા લોકો, એમ તમામ કર્મચારીગણમાંથી 80 ટકા લોકોને સસ્પેન્ડ કરવા વિચારે છે, એવો બીબીસીનો અહેવાલ છે.
બ્રિટિશ એરવેઝે મંગળવારે જ જણાવ્યું હતું કે કોરોના વાઈરસના ફેલાવાને પગલે તેણે દક્ષિણ ઈંગ્લેન્ડના ગેટવિક એરપોર્ટથી તેની વિમાન સેવા કામચલાઉ રીતે સ્થગિત કરી દીધી છે. બ્રિટનમાં સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાં આ બીજા નંબરે આવે છે.