રશિયાની રાજધાની મોસ્કોમાં ભયંકર બોમ્બ બ્લાસ્ટ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ બ્લાસ્ટમાં રશિયાના ન્યુક્લિયર, બાયલોજિકલ, કેમિકલ ડિફેન્સ ફોર્સ (NBC)ના ચીફ ઈગોર કિરિલોવનું મોસ્કોનું મૃત્યુ નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર જ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જ્યારે આ મામલે યુક્રેનની સિક્યુરિટી સર્વિસે દાવો કરતા કહ્યું કે, ‘અમે આ ઘટનાને અંજામ આપ્યો છે.’
સૂત્રોના અહેવાલો અનુસાર, રશિયાના ન્યૂક્લિયર પ્રોગ્રામના વડા ઈગોર કિરિલોવ પોતાના એપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યા હતા. ત્યારે અચાનક એક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઇગોર કિરિલોવની સાથે અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ નિપજ્યું હતું. આ બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રિટને ઓક્ટોબરમાં ઈગોર કિરિલોવ પર પ્રતિબંધો લાદ્યા હતા. બ્રિટને આરોપ લગાવ્યો હતો કે,ઈગોર કિરિલોવે યુક્રેનમાં રાસાયણિક હથિયારના ઉપયોગ પર નજર રાખી હતી અને ક્રેમલિન પ્રચાર કર્યો હતો. સોમવારે યુક્રેનની ગુપ્તચર એજન્સી SBUએ પણ તેના પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘ઈગોર પ્રતિબંધિત રાસાયણિક હથિયારોના મોટા પાયે ઉપયોગ માટે જવાબદાર હતા.’
લેફ્ટનન્ટ જનરલ ઈગોર કિરિલોવ 54 વર્ષના હતા. તે રશિયાના ન્યુક્લિયર, બાયલોજિકલ, કેમિકલ ડિફેન્સ ફોર્સ (NBC)ના વડા હતા.ઈગોર કિરિલોવે અમેરિકા અને પશ્ચિમી દેશોના કથિત જૈવિક અને રાસાયણિક હથિયાર પરિયોજના સામે ઘણાં ઘટસ્ફોટ કર્યા હતા.