ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વડા પ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકારમાં વિદેશ પ્રધાન તરીકે આજે બિલાવલ ભૂટ્ટો-ઝરદારીએ શપથ ગ્રહણ કર્યા છે. અમેરિકા સાથે બગડેલા સંબંધો સુધારવા અને ભારત સાથે શાંતિ પ્રક્રિયા ફરી શરૂ કરવાનો કોઈ માર્ગ શોધી કાઢવાના બિલાવલ સામે મોટા પડકારો છે. બિલાવલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચેરમેન છે.
બિલાવલ ભૂટ્ટો-ઝરદારી 33 વર્ષના છે અને પાકિસ્તાનના સૌથી યુવાન વયના વિદેશ પ્રધાન બન્યા છે. તેઓ દેશના ભૂતપૂર્વ પ્રમુખ આસીફ અલી ઝરદારી અને ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. બેનઝીર ભૂટ્ટો-ઝરદારીનાં પુત્ર છે. ત્રણ વખત વડાં પ્રધાન બનનાર બેનઝીર 2007માં રાવલપિંડી શહેરમાં એક રાજકીય રેલી વખતે બોમ્બ અને બંદૂકના હુમલામાં માર્યા ગયા હતા. બિલાવલે આજે પ્રમુખાલય ખાતે સાદા સમારોહમાં શપથ ગ્રહણ કર્યા ત્યારે એમના પિતા આસીફ અલી તથા એમની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ આરિફ અલવીએ બિલાવલને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. બિલાવલ 2018માં રાષ્ટ્રીય ધારાસભામાં ચૂંટાઈ આવ્યા હતા.
(તસવીર સૌજન્યઃ @PPP_Org)
