થિમ્પુઃ હિમાલય પર્વતમાળાની પૂર્વ બાજુએ આવેલા બૌદ્ધધર્મી દેશ ભૂટાને આજે તેના 114મા રાષ્ટ્રીય દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘નડાગ પેલ ગી ખોર્લો’ (Ngadag Pel gi Khorlo) આપીને એમને સમ્માનિત કર્યા છે. બંને દેશ વચ્ચેની મિત્રતા અને પરસ્પર સહયોગ માટે ભૂટાને પીએમ મોદીને આ એવોર્ડ આપ્યો છે. ભૂટાનના વડા પ્રધાન લોતેય શેરિંગના કાર્યાલયના ફેસબુક પેજ પર આની જાહેરાત કરવામાં આવી છે.
લોતેય શેરિંગે કહ્યું છે કે, ‘મહારાજાએ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર Ngadag Pel gi Khorlo માટે માનનીય નરેન્દ્ર મોદીજીનું નામ જાહેર કર્યું એ જાણીને હું ખૂબ જ ખુશ થયો છું. મહારાજાએ બંને દેશ વચ્ચેની બિનશરતી દોસ્તી અને આટલા વર્ષોમાં, ખાસ કરીને કોરોના રોગચાળા દરમિયાન ભૂટાનને મોદીજીએ આપેલા સાથનો ખાસ ઉલ્લેખ કર્યો છે.’
ઉલ્લેખનીય છે કે, કોરોનાવાઈરસ રોગચાળાના પ્રારંભથી ભારતે ભૂટાનને ખૂબ જ સહાયતા કરી છે. આમાં કોવિડ-19 રસી તથા અન્ય તબીબી સાધનસામગ્રીનો સમાવેશ થાય છે.