અમેરિકાનાં 38 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા

ન્યુ યોર્કઃ અમેરિકામાં પહેલી ડિસેમ્બરે ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયા પછી અત્યાર સુધીમાં અમેરિકાનાં 38 રાજ્યોમાં કોરોના વાઇરસનો નવો વેરિયેન્ટ કેસો નોંધાઈ ચૂક્યા છે. રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને જે લોકોએ હજી સુધી રસી નથી લીધી તેમના માટે લાલ આંખ કાઢી હતી.

વિશ્વભરમાં કોરોના વાઇરસનો આ નવો વેરિયેન્ટ ચિંતાનું કારણ બની રહ્યો છે, કેમ કે આરોગ્ય નિષ્ણાતો અને વિસ્વના નેતાઓ દ્વારા ઓમિક્રોન ઝડપથી ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્રણ સપ્તાહ પહેલાં દક્ષિણ આફ્રિકામાં નવો વેરિયન્ટ ઓમિક્રોન મળી આવ્યા પછી એ અત્યાર સુધીમાં 77 દેશોમાં પહોંચી ચૂક્યો છે. દેશમાં ઓમિક્રોનના કેસોની સંખ્યા 100ને પાર પહોંચી છે.

અમેરિકા કોરોના વાઇરસના પ્રકોપથી બહુ ખરાબ રીતે પ્રભાવિત છે. વળી, અહીં કોરોના કેસો ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે. અમેરિકામાં સેન ફ્રાન્સિસ્કોના પ્રવાસેથી પરત ફર્યા પછી ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો, ત્યારથી અત્યાર સુધી અમેરિકામાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

ઓમિક્રોન સૌથી વધુ સંક્રમણ ફેલાવતો કોરોનાનો પ્રકાર છે અને એ અત્યાર સુધીમાં 38 રાજ્યોમાં પ્રસરી ચૂક્યો છે. ન્યુ યોર્ક, ન્યુ જર્સીમાં ઓમિક્રોને વધુ સંક્રમણ ફેલાવ્યું છે અને હાલ એકત્ર કરવામાં આવેલા  કુલ નમૂનાઓમાં 13 ટકા હોવાની શક્યતા છે.

ન્યુ યોર્કમાં કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા ત્રણ દિવસોમાં બેવડી થઈ ગઈ છે. જેનું કારણ ઓમિક્રોન વેરિયેન્ટ છે. અહીંના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું હતું કે ઓમિક્રોને ન્યુ યોર્કમાં સૌથી વધુ સંક્રમણ ફેલાવ્યું છે.