બ્રસેલ્સઃ કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે લાગુ કરાયેલા નિયંત્રણોનો વિરોધ કરી રહેલા હજારો લોકો રવિવારે પાટનગર બ્રસેલ્સના રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. એમને વિખેરવા માટે પોલીસે ઠંડા પાણીનો મારો ચલાવ્યો હતો અને અશ્રુ વાયુ પણ છોડ્યો હતો.
દેખાવકારો યૂરોપીયન કમિશનના મુખ્યાલયની નજીક એકત્ર થયા હતા. બેલ્જિયન પોલીસનું કહેવું છે કે આશરે 50,000 લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. દેખાવો આમ તો શાંતિપૂર્ણ હતા. લોકો હાથમાં આવા લખાણો દર્શાવતા પ્લેકાર્ડ્સ અને ફૂગ્ગા સાથે આવ્યા હતાઃ ‘અમને ફરી આઝાદી જોઈએ છે’, ‘અમને કોવિડની ગુલામીવાળી ટિકિટ નથી જોઈતી.’ (દેખીતી રીતે આ ઉલ્લેખ બેલ્જિયમમાં જનતા માટે અમુક પ્રવૃત્તિઓ માટે સરકારે વેક્સિન-પાસ મેળવવાનું ફરજિયાત બનાવ્યું હોવા સામેનો છે).