હાનિયાના મોતનો બદલો લેવો એ ઇરાનની ફરજઃ આયાતોલ્લા ખોમિની

તહેરાનઃ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીએ હમાસના રાજકીય પ્રમુખ ઇસ્માઇલ હાનિયાની હત્યા પર ઇઝરાયલથી બદલો લેવાના કસમ ખાધા છે. તેમણે કહ્યું હતું કે ઇરાનના પાટનગર તહેરાનમાં હવાઈ હુમલામાં હમાસના વડા હાનિયાના મોત પછી ઇઝરાયલે પોતાના માટે કઠોર સજાની તૈયારી કરી લીધી છે.ઇરાને કહ્યું છે કે હમાસના નેતા હાનિયાના મોત માટે ઇઝરાયલ જવાબદાર છે. આ હત્યાથી સંઘર્ષ સતત વધવાનું જોખમ છે, જ્યારે અમેરિકા અને અન્ય દેશ એક ક્ષેત્રીય યુદ્ધને અટકાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

મુખ્ય મસ્જિદ પર લાલ ઝંડો

હમાસના પ્રમુખ હાનિયાની હત્યા પછી ઇરાનની કોમમાં જામકરન મસ્જિદના ગુંબજ પર લાલ ઝંડો લગાવવામાં આવ્યો છે. આ લાલ ઝંડો બદલો લેવાનું પ્રતીક છે. જે વધતા તણાવ અને ઇઝરાયલની વિરુદ્ધ સંભવિત જવાબી હુમલાનો સંકેત છે. હાનિયા નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનના શપથગ્રહણ સમારોહ માટે ઇરાનમાં હતો.

આ હત્યાના થોડા સમય પહેલાં સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમિનીની સાથે તેની મુલાકાતના ફોટો પણ સામે આવ્યા હતા. ખોમિની મિડિયા તરફથી એક વિડિયો પણ શેર કર્યો હતો, જેમાં હાનિયા તેમને મળી રહ્યો છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) તરફથી એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું, જેમાં હાનિયાની હત્યાની નિંદા કરવામાં આવી હતી. ઇરાની સેનાએ હમાસ ચીફની હત્યાને અપરાધિક અને કાયરતાપૂર્ણ ગણાવી હતી.

હાનિયાની હત્યા ઇઝરાયલે ગાઝામાં પોતાની નિષ્ફળતાને છુપાવવા અને વિશ્વનું ધ્યાન ભટકાવવા માટે કરી છે, એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.