નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે (ICCએ) ઇઝરાયેલના PM નેતાન્યાહુ અને તેમના સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેન્ટની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. હેગ સ્થિત કોર્ટે ઇઝરાયેલના નેતાઓની વિરુદ્ધ એ વોરન્ટ ગાઝા અને લેબેનોનમાં સંઘર્ષ દરમ્યાન યુદ્ધ અપરાધો માટે જારી કરવામાં આવ્યું હતું.
નેતાન્યાહુ પર ગાઝામાં અત્યાચારો ગુજારીને યુદ્ધ અપરાધો કરવાનો આરોપ છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ઇઝરાયલના ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ અને હમાસના ભૂતપૂર્વ કમાન્ડર મોહમ્મદ દૈફ સામે પણ ધરપકડ વોરંટ બહાર પાડયું છે, પણ આ પૈકી કોઈની પણ સામેનું વોરંટ બજાવાય એવી કોઈ શક્યતા નથી.
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)નો આરોપ છે કે ગાઝામાં પેલેસ્ટિનિયનો પર અત્યાચાર અને લોકોને ભૂખમરાનો ભોગ બનાવવા માટે નેતાન્યાહુ અને ગેલન્ટને દોષિત ઠેરવવા માટે નક્કર પુરાવા છે. એ જ રીતે હમાસના મોહમ્મદ દૈફ પર ૭ ઓક્ટોબર, ૨૦૨૩એ ઇઝરાયલમાં સામૂહિક હત્યા, બળાત્કાર અને લોકોને બંદી બનાવીને અત્યાચારો ગુજારવાવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ભારત ICCનું સભ્ય નહીં હોવાથી ભારતમાં ICCની સત્તા નથી ચાલતી. અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પણ ICCના સભ્ય નથી તેથી ત્યાં પણ ICCની સત્તા ચાલતી નથી. યુકે સહિતના યુરોપના દેશો ICCના સભ્ય છે તેથી ત્યાં તેની સત્તા ચાલે પણ તેને ગણકારતું નથી. ICCના સભ્ય દેશ દ્વારા ICCના વોરંટનો અમલ ના કરાય તો ICC સાથે સંકળાયેલા દેશો તેના પર આર્થિક પ્રતિબંધો લાદી શકે છે, પણ એવા પ્રતિબંધોની કોઈ અસર હવે થતી નથી.નેતાન્યાહુ સામે ધરપકડ વોરંટ બહાર પાડનારી ICCએ ૨૦૨૩ના માર્ચમાં પુતિન સામે અરેસ્ટ વોરંટ બહાર પાડેલું. આ વાતને દોઢ વરસ થઈ ગયું પણ પુતિનનો વાળ પણ વાંકો થયો નથી.