વોશિંગ્ટન- વિશ્વમાં હથિયારો અને સૈન્ય સેવા પ્રદાન કરતી કંપનીઓએ વર્ષ 2016માં અંદાજે 24 લાખ 13 હજાર 712 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે. આ આંકડાઓ સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્ટીટ્યૂટે (સિપ્રી) જારી કર્યા છે. સિપ્રીએ જણાવ્યું કે, વર્ષ 2010 પછી પ્રથમવાર વૈશ્વિક સ્તરે હથિયારોની ખરીદીમાં આટલો મોટો ઉછાળો નોંધાયો છે.
સિપ્રીના જણાવ્યા મુજબ વર્ષ 2016માં હથિયારો અને સૈન્ય સેવાઓની ટૉપ 100 સેલ વર્ષ 2015 કરતાં 1.9 ગણી વધારે છે. આ આંકડાઓમાં ચીનની હથિયાર ખરીદીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સિપ્રીએ વધુમાં જણાવ્યું કે, વર્ષ 2010 પછી હથિયારોની વૈશ્વિક ખરીદીમાં સતત ઘટાડો નોંધાયો હતો. જેમાં વર્ષ 2016માં ટૉપ 100 સેલમાં વર્ષ 2002ની સરખામણીએ 38 ટકાનો વધારો નોંધાયો છે.
રિસર્ચ ઈન્ટીટ્યૂટના જણાવ્યા મુજબ 2016માં હથિયારોના વેંચાણમાં આવનારા અણધાર્યા ઉછાળની પહેલેથી જ અપેક્ષા રાખવામાં આવી હતી. કારણકે, વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષ અને અનેક દેશોની આતંકવાદ સામે લડવાની સ્થિતિએ હથિયારોના વેંચાણમાં અણધાર્યો વધારો લાવ્યો છે.
સૌથી વધુ હથિયારોનું સેલ કરે છે અમેરિકા
સ્પિરી દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ મુજબ વર્ષ 2016માં અમેરિકાની હથિયાર બનાવતી કંપનીઓએ ટૉપ 10 સેલમાં પોતાની ભાગીદારીમાં 4 ટકાનો વધારો કર્યો છે. 2016માં અમેરિકન કંપનીઓએ વૈશ્વિક માર્કેટમાં કુલ 13 લાખ 98 હજાર 334 કરોડ રુપિયાના હથિયારોની નિકાસ કરી હતી. જે ટૉપ 100 સેલના આશરે 58 ટકા સેલ હતું.
અમેરિકા ઉપરાંત રશિયાએ પણ પોતાના હથિયારોના કારોબારમાં વૃદ્ધિ નોંધાવી છે. તો દક્ષિણ કોરિયાએ પણ ઉત્તર કોરિયા સાથેના વિવાદને પગલે હથિયારોની હોડમાં જંપલાવ્યું છે