કોલંબોઃ જનતામાં ફેલાયેલા રોષ અને વિરોધ-દેખાવો આજે 9મા દિવસમાં પ્રવેશતાં શ્રીલંકાના પ્રમુખ ગોતાબાયા રાજપક્ષાએ નવા પ્રધાનમંડળની આજે નિયુક્તિ કરી છે. આ 17-સભ્યોના પ્રધાનમંડળમાં મોટા ભાગના જૂના અને વરિષ્ઠ સંસદસભ્યોને એમણે પડતા મૂકી દીધા છે. પડતા મૂકી દેવાયેલાઓમાં રાજપક્ષા પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે. જૂના પ્રધાનમંડળમાં રાજપક્ષા પરિવારના પાંચ સભ્યો હતા, પણ નવા પ્રધાનમંડળમાં એમાંનો એકેય નથી. જૂનામાં, વડા પ્રધાન તરીકે મહિન્ડા રાજપક્ષા હતા જ્યારે સરકારમાં મહિન્ડાનો પુત્ર નામલ, નાનો ભાઈ બાસીલ, મોટો ભાઈ ચામલ અને ચામલના પુત્ર શશિન્દરાનો સમાવેશ કર્યો હતો.
શ્રીલંકા હાલ ઐતિહાસિક આર્થિક ભીંસમાં આવી ગયું છે. જનતાને ઈંધણ, વીજળી, ખાદ્યપદાર્ષો, દવાઓ જેવી મૂળભૂત ચીજવસ્તુઓની તંગી પરેશાન કરી રહી છે. જનતા ગઈ 31 માર્ચથી આંદોલન પર છે. બીજી એપ્રિલે તો લોકોએ કોલંબોમાં પ્રમુખ ગોતાબાયા રાજપક્ષાના કાર્યાલય સુધી મોરચો કાઢ્યો હતો. એને કારણે ગોતાબાયાને એમનું કાર્યાલય અન્યત્ર ખસેડવાની ફરજ પડી હતી.