હાફિઝની પાર્ટીને આતંકી લિસ્ટમાં સમાવી શકે છે US: ભારતે કરી હતી અપીલ

વોશિંગ્ટન- અમેરિકાએ વધુ એકવાર પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. મળતી માહિતી મુજબ મોસ્ટ વોન્ટેન્ડ આતંકી હાફિઝ સઈદની પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગ સહિત અન્ય કેટલાંક પાકિસ્તાની સંગઠનોને અમેરિકા આતંકી સમુહમાં સમાવી શકે છે. સૂત્રોનું માનીએ તો આ કાર્યવાહી જલદી કરવામાં આવશે.

ભારતે પણ આ અંગે અમેરિકાને અપીલ કરી હતી. જેના પર કાર્યવાહી કરીને અમેરિકા પાકિસ્તાન સ્થિત અનેક સંગઠનોને આતંકી સંગઠનોમાં સ્થાન આપી રહ્યું છે. હાલમાં જ નવી દિલ્હીમાં ભારત-અમેરિકા વચ્ચે યોજાયેલી એક કોન્ફરન્સમાં ભારત તરફથી આ અંગેની અપીલ કરવામાં આવી હતી.

અમેરિકાના એક અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાન અમેરિકાનો સારો સહયોગી દેશ છે પરંતુ અમેરિકાનો પ્રયાસ છે કે, તે આતંકવાદનો સફાયો કરે. જોકે અમેરિકન અધિકારીએ તેના નિવેદનમાં પાકિસ્તાન સ્થિત કોઈ સંગઠનનું નામ લીધું નહતું. પરંતુ ગત કેટલાક દિવસોથી પાકિસ્તાનના રાજકારણમાં પ્રવેશવા ઈચ્છુક હાફિઝ સઈદ પર તેમનો સંકેત હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું હતું.

આપને જણાવી દઈએ કે, હાલમાં જ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદ વર્ષ 2018માં પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીથી તેની નવી રાજકીય ઈનિંગ શરુ કરવાની તૈયારી દર્શાવી ચુક્યો છે, જેને લઈને અમેરિકાએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. જોકે હજી સુધી હાફિઝની પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગની પાકિસ્તાન ચૂંટણી પંચમાં નોંધણી કરવામાં આવી નથી.