અમેરિકામાં કોલ સેન્ટર કૌભાંડ: ભારતીય મૂળના 21 લોકોને 20 વર્ષ સુધીની સજા

ન્યૂયોર્ક- અમેરિકામાં પકડાયેલા કરોડો ડોલરના કોલ સેન્ટર કૌભાંડમાં સંડાવણીને લઈને ભારતીય મૂળના 21 લોકોને 20 વર્ષ સુધીની જેલની સજા ફટકારવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, ભારતમા સ્થિત કોલ સેન્ટરના માધ્યમથી અમેરિકન નાગરિકો પાસેથી લાખો ડોલરનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દોષી સાબિત થયેલા લોકોને 4 થી 20 વર્ષ સુધીની જેલની સજા ફટકારવામાં આવી છે.મળતી માહિતી મુજબ અનેક દોષિતોને સજા પૂરી થયા બાદ ભારત પરત મોકલવામાં આવશે. અમેરિકાના એટર્ની જનરલ જેફ સશંસે આ ચુકાદાને અમેરિકન નાગરિકોની મોટી જીત તરીકે ગણાવ્યો છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ કોલ સેન્ટર કૌભાંડ દ્વારા હજારો અમેરિકનોના કરોડો ડોલરની ઉચાપત કરવામાં આવી છે.

કોલ સેન્ટર કૌભાંડ અંગે અમેરિકાના એક વકીલે જણાવ્યું કે, ભારત સ્થિત કોલ સેન્ટરમાંથી તમામ ફર્જી કોલ કરવામાં આવ્યા હતા અને અમેરિકન નાગરિકોને ટાર્ગેટ કરી તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી. જેમાં વિશેષ કરીને સિનિયર સિટીઝન અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે.