પ્રમુખ બન્યા પછી ટ્રમ્પ અત્યાર સુધીમાં 1,925 વાર જૂઠ્ઠું બોલી ચૂક્યા છેઃ અહેવાલ

વોશિંગ્ટન – કેનેડાના ટોરન્ટો સ્ટાર નામના એક જાણીતા અખબારે જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી લઈને 1 જુલાઈ, 2018 સુધીમાં 1,925 વખત જૂઠ્ઠું બોલ્યા છે.

ટોરન્ટો સ્ટાર અખબારે એ વિશે દરેક શબ્દનું વર્ણન પણ કર્યું છે.

ટ્રમ્પે 2017ની 20 જાન્યુઆરીએ અમેરિકાનું પ્રમુખપદ સંભાળ્યું હતું. શરૂઆતથી જ એમણે મીડિયાને ટાર્ગેટ બનાવ્યું છે અને એવો કટાક્ષ કર્યો હતો કે મીડિયાને ફેક ન્યૂઝ એવોર્ડ આપવા જોઈએ. પરંતુ હવે ટોરન્ટો સ્ટાર અખબારે ટ્રમ્પની બરાબરની ખબર લઈ નાખી છે અને ટ્રમ્પ પોતે કેટલી વાર ખોટું બોલ્યા છે એનું વર્ણન કર્યું છે.


અખબારના જણાવ્યા મુજબ, છેલ્લા 18 મહિનામાં ટ્રમ્પ સત્તાવાર રીતે કુલ 13 લાખ 40 હજાર 330 શબ્દો બોલ્યા હતા એમાં 5.1 ટકા હિસ્સો જુઠાણાથી ભરેલો હતો.


2017માં, સરેરાશ મુજબ, ટ્રમ્પે લગભગ રોજ 2.1 ટકા જૂઠ્ઠા દાવા કર્યા હતા. આ વર્ષે એ સરેરાશ વધીને 5.1 ટકા થઈ ગઈ છે. મતલબ કે, ટ્રમ્પ દર 14 શબ્દોમાંથી 1 શબ્દ જૂઠ્ઠો હોય છે.


ટ્રમ્પ સૌથી વધારે વખત એમના ભાષણોમાં જ જૂઠ્ઠું બોલ્યા છે. ભાષણોમાં એ 648 વખત જૂઠ્ઠું બોલ્યા છે. ત્યારબાદ ઈન્ટરવ્યૂમાં 380 વખત જૂઠ્ઠું બોલ્યા છે, અનૌપચારિક નિવેદનોમાં 369 વખત, ટ્વિટર પર 330 વખત અને પત્રકાર પરિષદોમાં 192 વખત જૂઠ્ઠું બોલ્યા છે.

વ્હાઈટ હાઉસના ભૂતપૂર્વ મહિલા સ્ટેનોગ્રાફર બેક ડોરે-સ્ટેઈને એમનાં હોદ્દા પરથી એટલા માટે રાજીનામું આપ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના લોકો સાથે જૂઠ્ઠું બોલે છે એવું એમનું માનવું છે. ડોરે-સ્ટેઈનનું કહેવું છે કે મને ઓબામા વહીવટીતંત્રમાં કામ કરવાનું બહુ ગમ્યું હતું, પણ પ્રમુખ ટ્રમ્પ અમેરિકન જનતા સાથે જૂઠ્ઠું બોલે છે એવું મને લાગ્યું હતું. એ સત્ય જણાવવાનો પ્રયાસ પણ કરતા નહોતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]