વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત તરીકે નિક્કી હેલીનું સ્થાન લેવા માટે તેમના વિચારમાં પૂર્વ ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડિના પોવેલ સહિત પાંચ લોકોના નામ ધ્યાનમાં છે.આપને જણાવી દઈએ કે, 46 વર્ષિય નિક્કી હેલીએ ગત રોજ જાહેરાત કરી હતી કે, તેઓ વર્ષ 2018ના અંતમાં સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂતના પદેથી રાજીનામું આપશે.
નિક્કી હેલીના રાજીનામાના અચાનક નિર્ણયથી વ્હાઈટ હાઉસના મોટાભાગના લોકો સ્તબ્ધ છે. કારણકે તેમના પદ છોડવાના વિચારનો કોઈને અણસાર સુદ્ધાં નહતો. હેલીએ ત્રણ ઓક્ટોબરે તેમનું રાજીનામું સોંપ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું કે, હેલી તેમના ઉત્તરાધિકારીને શોધવામાં મદદ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી બેથી ત્રણ સપ્તાહમાં ટ્રમ્પ હેલીના અનુગામીની નિમણૂંક કરી શકે છે.
પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે યાદીમાં સામેલ ફક્ત એક અધિકારીનું નામ લીધું હતું. તેમણે જણાવ્યું કે, પાંચ લોકોની યાદીમાં ડિના પોવેલનું નામ છે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, અમારી પાસે બીજા પણ કેટલાંક નામ છે. નવા ચહેરાની પસંદગી કરવામાં નિક્કી હેલી અમારી મદદ કરશે.