ચીન બાદ વધુ એક દેશ પાકિસ્તાનની મદદે આવ્યો

22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા, જેમાં બે વિદેશી અને એક નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાને સતત ચોથી રાતથી લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર નાના હથિયારો વડે ગોળીબાર કર્યો, જેનો ભારતીય સૈન્ય દ્વારા મજબૂત જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી, વેપાર બંધ કર્યો અને અટારી-વાઘા બોર્ડર બંધ કરી દીધી, જેનાથી દ્વિપક્ષીય સંબંધોમાં તિરાડ વધુ ઊંડી થઈ.

પાકિસ્તાને પોતાની સૈન્ય તૈયારીઓ તેજ કરી છે. પાકિસ્તાન વાયુસેના (PAF) દ્વારા પેન્સી, સ્કાર્ડુ અને સ્વાત ખાતેના એરબેઝ સક્રિય કરાયા છે, જ્યાં F-16, J-10C અને JF-17 થંડર ફાઇટર જેટ તૈનાત કરી કોમ્બેટ એર પેટ્રોલિંગ શરૂ કરાયું છે. ચીને પાકિસ્તાનને PL-15 લાંબા અંતરની એર-ટુ-એર મિસાઇલ્સ અને ડ્રોન જેવા સંરક્ષણ સાધનો પૂરા પાડ્યા છે, જે JF-17 બ્લોક III જેટમાં સંકલિત છે. આ ઉપરાંત, તુર્કીએ પણ પાકિસ્તાનને સમર્થન આપ્યું, જેમાં કરાચી અને ઇસ્લામાબાદમાં C-130 હર્ક્યુલસ વિમાનો દ્વારા લશ્કરી સાધનોનું હસ્તાંતરણ થયું. તુર્કી અને પાકિસ્તાની સૂત્રોએ આ ટ્રાન્સફરની પુષ્ટિ કરી, જોકે શિપમેન્ટની વિગતો ગુપ્ત રાખવામાં આવી. આ પગલું ચીન, તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના વધતા લશ્કરી સહયોગનો ભાગ છે, જે દક્ષિણ એશિયાના ભૌગોલિક રાજનીતિમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે.

ભારતે આ હુમલાને “પુલવામા 2” ગણાવી કડક જવાબની ચેતવણી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે “આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે,” જ્યારે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે “ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીં.” ભારતીય વાયુસેનાએ ‘અક્રમણ’ નામની સૈન્ય કવાયત યોજી, જેમાં સુ-30 MKI અને રાફેલ જેટ સાથે ડીપ-સ્ટ્રાઇક મિશનની પ્રેક્ટિસ કરાઈ. સુરક્ષા દળોએ પહલગામમાં 15,000થી વધુ સૈનિકો અને MI-17 હેલિકોપ્ટર તૈનાત કર્યા, જોકે આતંકવાદીઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. ભારતની આ આક્રમક તૈયારીઓથી પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ છે, અને PoKમાં ઇમરજન્સી જાહેર કરી સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે. આ તણાવ યુદ્ધમાં પરિણમે તો પરિણામો ગંભીર હોઈ શકે છે.