ટોરન્ટો- કેનેડાના મીસિસોગામાં આવેલી ભારતીય રેસ્ટોરન્ટમાં વિસ્ફોટની ઘટના સામે આવી છે. અહીંની ભારતીય રેસ્ટોરન્ટ ‘બોમ્બે ભેળ’માં વિસ્ફોટની ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે. જેમાં 3 લોકોની હાલત વધુ ગંભીર છે. ઈજાગ્રસ્તોને ટોરન્ટોની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજે મિસીસોગા વિસ્ફોટ અંગે જણાવ્યું છે કે, ‘કેનેડાના ઓન્ટોરિયોની ભારતીય રેસ્ટોરન્ટ બોમ્બે ભેળમાં વિસ્ફોટ થયો છે. જે અંગે ટોરન્ટોના કાઉન્સલ જનરલ અને ઈન્ડિયન હાઈ કમિશ્નર સાથે સતત સંપર્કમાં હોવાનું સુષમા સ્વરાજે જણાવ્યું છે’.
હાલ આ ઘટનામાં કોઈ આતંકી કનેક્શન જોવા મળ્યું નથી. અને કોઈ આતંકી સંગઠને પણ આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી. પરંતુ બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલાં જ ટોરન્ટો શહેરમાં એક વાનના ડ્રાઈવરે ભીડ ઉપર ગાડી ચડાવી દીધી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને 15 ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, બે શકમંદ લોકો ઘટના સ્થળ પર જોવા મળ્યા છે. તેમના દ્વારા રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હોય તેવી આશંકા છે. આ બન્ને શકમંદ લોકોની હિલચાલ CCTVમાં કેદ થઈ છે. જે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.