સમોઆઃ સમોઆના પ્રશાંત દ્વીપ રાષ્ટ્રમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યા પછી દેશઆખામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સિવાય એણે સરહદો પણ સીલ કરી દીધી છે. સરકારે હવાઈ અને સમુદ્રથી બધી આંતરરાષ્ટ્રીય યાત્રાને સસ્પેન્ડ કરવાનો ઇમર્જન્સી આદેશ જારી કર્યો છે. અહીં કોરોના વાઇરસનો પહેલો કેસ ઉપોલુના મુખ્ય દ્વીપ પર નોંધાયો હતો.
વડા પ્રધાન ફિયામે નાઓમી માતાફાએ કહ્યું હતું કે કોરોના સંક્રમિત માલૂમ પડેલી મહિલા 29 વર્ષની છે, એ ફિજી જવાની હતી અને ફિલાઇટ પકડતાં પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વડા પ્રધાને ચાર દિવસના લોકડાઉનનો આદેશ જારી કર્યો હતો.
તેમણે ગઈ કાલે કરેલા સંબોધનમાં કહ્યું હતું કે જાહેર સમારંભો, ચર્ચો અને જરૂરી સેવાઓ છોડીને અન્ય સેવાઓ સહિત બધી સ્કૂલો બંધ રહેશે. શુક્રવારે રાત્રે લોકોને માસ્ક પહેરવાનો અને રસીકરણનું કાર્ડનો ઉપયોગ કરવાનું ફરજિયાત કર્યું છે.
સમોઆની જનસંખ્યા બે લાખ છે અને અહીં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ઓનલાઇન લીક થયેલા એક સરકારી રિપોર્ટથી સંકેત મળે છે કે મહિલા ગયા શનિવારે અસ્વસ્થતાનો અનુભવ કરતી હતી અને એના પછી તેણે ચર્ચની સેવાઓમાં ભાગ લીધો હતો અને એક હોસ્પિટલ, એક લાઇબ્રેરી અને એક ટ્રાવેલ એજન્સી સહિત સ્થળોની મુલાકાત લીધી હતી. સરકારી આંકડા અનુસાર સમોઆની આશરે 90 ટકા વસતિને કોરોનાની રસી લાગી ચૂકી છે.