જકાર્તાઃ પર્યટન માટે જગપ્રસિદ્ધ થયેલા ઈન્ડોનેશિયાના બાલી ટાપુના બાલી કુટા શહેરમાં ગઈ મધરાત પછી ધરતીકંપનો તીવ્ર આંચકો લાગ્યો હતો. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 7.1ની માપવામાં આવી હતી. ભૂકંપનો આંચકો એટલો બધો તીવ્ર હતો કે રસ્તાઓ અને મકાનોની દીવાલો પર તિરાડ પડી ગઈ છે. લોકો ડરના માર્યા રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. એમને આખી રાત રસ્તા પર ગુજારવી પડી હતી. ભારતમાંથી અસંખ્ય પર્યટકો પણ બાલી ખાતે ગયા છે. એ લોકો પણ ફસાઈ ગયાં છે.
ધરતીકંપનો આંચકો ઈન્ડોનેશિયાના સમય મુજબ ગત વહેલી સવારે 2.55 વાગ્યે (ભારતીય સમય મુજબ મધરાતે દોઢેક વાગ્યાના સુમારે) આવ્યો હતો. ધરતીકંપનું કેન્દ્રબિંદુ ઈન્ડોનેશિયાની ઉત્તરમાં 201 કિ.મી. અંતરે આવેલા માતારમમાં અને પૃથ્વીની સપાટીથી 518 કિલોમીટર (322 માઈલ) નીચે હોવાનું માલુમ પડ્યું છે. ધરતીકંપને કારણે જાનહાનિ થયાનો હજી સુધી કોઈ અહેવાલ નથી. સત્તાવાળાઓ દ્વારા સમુદ્રમાં સુનામી મોજાં ઉછળવાની કોઈ ચેતવણી પણ બહાર પાડવામાં આવી નથી.