બર્લિનઃ કોરોના વાઇરસ રોગચાળો વિશ્વભરમાં ફેલાયેલો છે, પણ કેટલાય લોકો એવા છે, જે કોરોના સામેની રસીને શંકા ભરેલી નજરે જુએ છે. જર્મનીમાં એક રેડ ક્રોસની નર્સે 8600 લોકોને કોરોના રસીને બદલે સેલાઇન વોટર (ખારા પાણી)નાં ઇન્જેક્શન લગાવ્યાં હોવાની આશંકા છે. જેથી ઉત્તરીય જર્મનીમાં અધિકારીઓએ હજ્જારો લોકોને રસીનો વધુ એક ડોઝ લેવાની અરજ કરી હતી. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું હતું કે રેડ ક્રોસની એક નર્સે તેમને સેલાઇનનાં ઇન્જેક્શન માર્યાં હતાં.
ઉત્તરીય દરિયાકિનારા પાસેના એક ગ્રામીણ જિલ્લા- ફ્રીઝલેન્ડના એક રસીકરણ કેન્દ્રમાં કોરોનાની રસીના ડોઝને બદલે મીઠાના પાણીના ઇન્જેક્શન લોકોને આપ્યાં હોવાની સંભાવના છે. હું આ ઘટનાથી એકદમ દિગ્મૂઢ થઈ ગયો છું, એમ સ્વેન એમ્બ્રોસી જણાવ્યું હતું. જોકે એ ઇન્જેક્શનોથી લોકોને ખાસ નુકસાન નહીં થાય, પણ એ લોકોનો વહીવટી તંત્ર ફરીથી સંપર્ક કરીને વધુ એક રસીનો ડોઝ લેવા માટે વિનંતી કરશે. વળી, જર્મનીમાં મોટા ભાગના લોકોને માર્ચ અને એપ્રિલમાં એ જગ્યાએ રસી આપી દેવામાં આવી હતી, પણ સિનિયર સિટિઝનોને વાઇરલના રોગથી ઊંચું જોખમ સંભવિતપણે થઈ શકે છે.
પોલીસ તપાસકર્તા પીટર બીરે કહ્યું હતું કે પુરાવાઓને આધારે જોખમની આશંકા છે. વળી, એ નર્સનો ઇરાદો સ્પષ્ટ નહોતો, પણ સોશિયલ મિડિયા પર કોરોનાની રસી સામે શંકાસ્પદ વિચારો વ્યક્ત કર્યા હતા. આ મામલે એ નર્સની ધરપકડ કરવામાં આવી છે કે નથી એની માહિતી નથી મળી શકી.