કંધારઃ અફઘાનિસ્તાનના કંધારમાં શિયા સમુદાયની મસ્જિદમાં શુક્રવારે બોમ્બ બ્લાસ્ટ થયો છે. પ્રારંભિક અહેવાલ મુજબ આ બોમ્બધડાકામાં 37 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 74 લોકો ઘાયલ થયા છે. આ બોમ્બધડાકો શુક્રવારની નમાઝ દરમ્યાન થયો હતો. અફઘાનિસ્તાનમાં સતત બીજા શુક્રવારે શિયા મસ્જિદને ટાર્ગેટ બનાવવામાં આવી છે. આ બોમ્બવિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી.
સ્થાનિક અહેવાલો મુજબ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. આ બોમ્બ ધડાકાના હુમલાની જવાબદારી હજી સુધી કોઈ લીધી નથી. કંધાર શહેરના પોલીસ જિલ્લા એક (પીડી1)ની એક મસ્જિદમાં બોમ્બવિસ્ફોટ થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટ શિયા જૂથની એક મસ્જિદમાં થયો હતો.
આ બોમ્બધડાકો થયો એ વખતે જુમાની નમાઝ ચાલી રહી હતી. આ પહેલાં આઠ ઓક્ટોબરે ઉત્તરીય અફઘાનિસ્તાનમાં એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો, જેમાં કમસે કમ 100 લોકોનાં મોત થયાં હતાં. એ ધડાકામાં શિયા મુસલમાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. આ હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે, જે તાલિબાનનો કટ્ટર દુશ્મન છે.
આ હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાન એટલે કે ISIS-K જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ વૈશ્વિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન સ્થિત શાખા છે. જે દેશના લઘુમતી શિયા મુસ્લિમોને સતત નિશાન બનાવી રહ્યું છે.