બૈરુતમાં ભયાનક વિસ્ફોટમાં મરણાંક 100થી વધુ

બૈરુતઃ લેબેનોનના આ પાટનગર શહેરમાં ગઈ કાલે થયેલા ભયાનક અને ડરામણા પ્રચંડ વિસ્ફોટમાં માર્યા ગયેલાઓનો આંક ઓછામાં ઓછો 100 છે અને 4000 જેટલા લોકો ઘાયલ થયા છે. બૈરુતના બંદર વિસ્તારમાં થયેલા ધડાકાએ સમગ્ર શહેરને હચમચાવી મૂક્યું હતું અને એના વિડિયો અને તસવીરો જોઈને સમગ્ર દુનિયા કંપી ઊઠી હતી. એક વેરહાઉસ મકાનમાં સંઘરેલા 2,750 ટન એમોનિયમ નાઈટ્રેટ રસાયણને કારણે ધડાકો થયો હતો. એ રસાયણનો જથ્થો જપ્ત કરાયેલો હતો અને અસુરક્ષિત હાલતમાં રાખવામાં આવ્યો હતો.

કુલ બે ધડાકા થયા હતા. અનેક ઘાયલ લોકોની શોધ આજે સવારે પણ ચાલુ હતી. પહેલો ધડાકો અત્યંત પ્રચંડ હતો. એને કારણે 10 કિલોમીટરની અંદર આવેલા તમામ મકાનો હચમચી ગયા હતા.

બે ધડાકા મંગળવારે સ્થાનિક સમય મુજબ સાંજે 6.10 વાગ્યે થયા હતા. ધડાકાને કારણે આખા શહેરના મકાનો હચમચી ગયા હતા. અનેક મકાનોને નુકસાન થયું છે અને જાનહાનિ થઈ છે.

મરણાંક વધે એવી સંભાવના છે.

લેબેનોનના વડા પ્રધાન હસન દિયાબે આ ભયાનક ધડાકાઓની અસરમાંથી બહાર આવવામાં લેબેનોનને મદદરૂપ થવાની એમના દેશના મિત્ર રાષ્ટ્રોને વિનંતી કરી છે.

દિયાબે ધડાકાઓમાં મૃત્યુ પામેલાઓની યાદમાં આજે રાષ્ટ્રીય શોકનો દિવસ ઘોષિત કર્યો છે.

ધડાકાઓનું કારણ હજી સત્તાવાર રીતે જાહેર કરાયું નથી, પરંતુ દેશના ગૃહ પ્રધાન મોહમ્મદ ફહમીનું કહેવું છે કે બંદરીય શહેર બૈરુતના વેરહાઉસમાં સંગ્રહ કરાયેલા વિસ્ફોટક રસાયણો (એમોનિયમ નાઈટ્રેટ)ને કારણે થયો હોય એવું લાગે છે. આવા રસાયણોનો સંગ્રહ કરવા પાછળના કારણો વિશે કસ્ટમ્સ અધિકારીઓને પૂછવામાં આવશે.

એક તરફ લેબેનોન કોરોના વાઈરસ કટોકટી તથા આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે આ પ્રચંડ ધડાકાઓએ તેને નવો મોટો ફટકો માર્યો છે.

અનેક દેશોના નેતાઓએ આ દુર્ઘટના અંગે શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે.