ઓનલાઇન યૌન શોષણનો 30 કરોડ બાળકો શિકાર બન્યાઃ અહેવાલ

નવી દિલ્હીઃ વિશ્વમાં પ્રતિ વર્ષ 30 કરોડથી વધુ બાળકો ઓનલાઇન યૌન શોષણ અને હેરાનગતિનો શિકાર થઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે આ પહેલું અધ્યયન છે, જે બતાવે છે કે ઇન્ટરનેટ પર બાળકો શિકાર થવાની સમસ્યા કેટલી મોટી છે. બ્રિટનની એડિનબરા યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ અધ્યયન કર્યું છે.

27 મેએ પ્રકાશિત આ સંશોધનાત્મક અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષમાં વિશ્વના દરેક આઠમા બાળકને ઇન્ટરનેટ પર યૌન શોષણનો શિકાર થવો પડ્યો છે. અહેવાલ મુજબ અશ્લીલ સંદેશ મોકલવા અથવા યૌન કામગીરીનો આગ્રહ કરવાવાળા પીડિટ બાળકોની સંખ્યા પણ લગભગ આટલી જ રહી છે.

ઓનલાઇન યૌન ઉત્પીડનની આ કામગીરી બ્લેકમેલ કરવા સુધી આવી ગઈ અને કેટલાય કિસ્સાઓમાં ખાનગી ફોટોના બદલે અપરાધીઓએ નાણાંની માગ કરી હતી. આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને ડીપફેક ટેક્નિક દ્વારા વાંધાજનક વિડિયો અને ફોટો બનાવીને પણ બાળકોને શિકાર બનાવવામાં આવ્યા હતા.

સંશોધનકર્તાઓ કહે છે કે આ સમસ્યા વિશ્વઆખામાં ફેલાયેલી છે, પણ અમેરિકામાં જોખમ બહુ વધુ આંકવામાં આવ્યું છે, કેમ કે દરેક નવમાંથી એક વ્યક્તે ક્યારેકને ક્યારેક બાળકો સાથે ઓનલાઇન દુર્વ્યવહારની વાત માની છે.

ચાઇલ્ડલાઇટના પ્રમુખ સ્ટેન્ફીલ્ડે જણાવ્યું હતું કે બાળકોના યૌન ઉત્પીડનની સંખ્યા એટલી મોટી છે કે સરેરાશ પ્રતિ મિનિટે પોલીસ કે કોઈ સમાજસેવી સંસ્થાને આ પ્રકારની ઘટનાની ફરિયાદ મળે છે. આ એક વૈશ્વિક આરોગ્ય રોગચાળો છે, જે ઘણા સમય સુધી ઢંકાયેલી રહી છે. આવું દરેક દેશમાં થાય છે અને ઝડપથી આગળ વધી રહી છે. આના માટે આકરા પગલાં લેવાની જરૂર છે.

ભારતમાં આ પ્રકારના ગુનાઓમાં ઝડપતી વધારો જોવા મળ્યો છે. એક અહેવાલ મુજબ દેશમાં 2019 પછી બાળકોના ઓનલાઇન યૌન શોષણના કેસોમાં 87 ટકા વધારો જોવા મળ્યો છે. નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપલોઇટેડ ચિલ્ડ્રન નામની સંસ્થાએ જણાવ્યું હતું કે આ બાળકોના યૌન શોષણની ઓનલાઇન સામગ્રી 3.2 કરોડનો વધારો થયો છે.